મેઘપર(બો) પાસે બે પરપ્રાંતીય ૨ પિસ્તોલ, ૭ કારતૂસ સાથે પકડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેચવા માટે બે દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી આવ્યા હતા
ગાંધીધામ તાલુકાના મેઘપર (બોરીચી) ગામે આવેલી જુમાપીર ફાટક પાસેથી આદિપુર પોલીસે સોમવારના બપોરના બે પરપ્રાંતીયને બે ઓટોમેટિક પિસ્તોલ તથા સાત જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બન્ને હજુ બે દિવસ પૂર્વે જ પિસ્તોલનું વેચાણ કરવા અહીં આવ્યા હોવાનું ખૂલ્યું છે, જેને મંગળવારના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.
આ અંગે આદિપુર પોલીસના પીએસઆઇ આર.કે. ધુળિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંજારના એએસપી વીરેન્દ્રસિંહ યાદવને મધ્યપ્રદેશથી બે શખ્સ પિસ્ટોલ વેચવા મેઘપર બોરીચી ગામે આવ્યા હોવાની બાતમી મળી હતી, જેને આધારે સ્ટાફ સાથે જુમાપીર ફાટક પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બપોરે ૧:૩૦ વાગ્યાના અરસામાં શંકાસ્પદ હાલતમાં આંટા મારતા કિશન મોતિયારામ સીસોદિયા (ઉ.વ.૨૧) તથા બલુ ગોવિંદ નરગેશ (ઉ.વ.૨૭) (બન્ને રહે મધ્યપ્રદેશ)ને અટકાવી તલાસી લીધી હતી. આ દરમિયાન તેના કબજામાંથી ૩પ હજારની કિંમતની બે ઓટોમેટિક પિસ્તોલ તથા સાત જીવતા કારતૂસ મળી આવ્યા હતા, પરંતુ હથિયારનો કોઇ પાસ પરવાનો ન મળી આવતાં પોલીસે આમ્ર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પિસ્તોલ, કારતૂસ, ૧૭૦૦ની રોકડ તથા એક હજારના બે મોબાઇલ મળી કુલ રૂા. ૩૮૪૦૦ના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી.
બન્ને શખ્સ કોને આ હથિયાર આપવા આવ્યા હતા, અગાઉ ક્યાં ક્યાં હથિયારનું વેચાણ કર્યું છે, તે અંગેની રજેરજની માહિ‌તી એકત્ર કરવા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. સ્ટાફના લક્ષ્મણભાઇ, હર્ષદભાઇ ઠાકર, હરેશભાઇ તિવારી કાર્યવાહીમાં જોડાયા હતા.