આમરવાંઢ પાસે અકસ્માતમાં બેનાં મોત, 8 ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- પલ્ટી ખાઈ ગયેલ જીપ)

-> સુઝલોનના કામદારો લઠેડીની સાઇટ પર જતા હતા
> પાછલું ટાયર ફાટતાં જીપ પલટી ખાઇ ગઇ


ભુજ, નલિયા: અબડાસા તાલુકાના આમરવાંઢ પાસે માર્ગ પર પૂરઝડપે જતી જીપનું પાછળનું ટાયર ફાટતાં પલટી ખાઈ ગઈ હતી, આ અકસ્માતમાં બે મજૂરે ગંભીર ઇજાને કારણે જીવ ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે ઘાયલ આઠ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે સવારે 10 વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં અનીલ શિવસિંગ રાજપૂત(19) અને આસમામદ નૂરમામદ શા(31)નાં મોત થયાં હતાં. અનીલ કોઠારામાં રહેતો હતો અને આસમામદ નલિયામાં રહેતો હતો. મૂળ બન્ને ઉત્તરપ્રદેશ હતા.

જ્યારે આ બનાવમાં પ્રદીપસિંગ(23), અભિષેક યાદવ(28) અને હરિસિંગ યાદવ(28)ને ઇજાઓ થતાં માંડવી ખસેડવામાં આવ્યા હતા, તો દુર્ગેશ યાદવ(24), અહેમદ રજાક(22), સુજીત જાદવ(23), દીપક જદન મોરિયા(27) અને દલસિંગ યાદવ(23)ને સારવાર માટે નલિયા ખસેડવામાં આવ્યા હતા. કોઠારા પોલીસે કહ્યું કે, આ તમામ લોકો સુઝલોન કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોઈ નલિયાથી તેઓ લઠેડીમાં આવેલી કંપનીની સાઇટ પર કામે જતા હતા. પૂરઝડપે જતી જીપ જ્યારે ડુમરા-માંડવી હાઇવે પર જતી હતી, ત્યારે આમરવાંઢ પાસે પહોંચતાં પાછળનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું, એ સાથે જીપ પલટી ખાઇ ગઈ હતી.

મને એમ કે લાશોને કોઠારા લઈ જવાશે: ડોક્ટર
નલિયાના ડોક્ટર મિશ્રાએ કહ્યું કે, કોઠારા વિસ્તારનો બનાવ હોવાથી મેં પીએમ કર્યું નહીં. લાશો બહાર હતી એની ખબર નહોતી. પાંચ લોકો સારવાર માટે આવ્યા ત્યારે એમ કે, લાશને તેઓ પીએમ માટે કોઠારા લઈ જશે, પરંતુ તેઓ લઈ ગયા નહીં ત્યારે ખબર પડી અને મૃતદેહો અંદર રખાવ્યા હતા.

બે લાશ અઢી કલાક હોસ્પિટલ બહાર પડી રહી !

અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે બે મજૂરનાં મોત થયા બાદ તેની લાશોને પીએમ માટે નલિયાની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જોકે, પીએચસીના તબીબે પીએમ કરવાની તેમજ લાશ અંદર રાખવાની ના કહીને કોઠારાના ડોક્ટર પીએમ કરશે એવું કહ્યું હતું. એ રીતે આશરે અઢી કલાક સુધી બન્ને મૃતદેહ હોસ્પિટલ બહાર છકડામાં પડ્યા રહ્યા હતા.