તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ: આચારસંહિતાના ભંગની બે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોંગ્રેસની માગણી પછી નોડલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી
- ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ : પ્રચાર પૂર જોશમાં
ગાંધીધામ: વોર્ડ નં. 2ના એક સભ્યના અવસાનથી ખાલી પડેલી બેઠકની 12મી ઓક્ટોબરે ચૂંટણી યોજાનારી છે. ચૂંટણીમાં આચારસંહિતાના ભંગની કોંગ્રેસ દ્વારા 2 ફરિયાદ કરવામાં આવી છે, તેની તપાસ સોંપવામાં આવી છે. બીજીતરફ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષ દ્વારા પ્રચારકાર્યને વેગવાન બનાવવામાં આવ્યું છે. અગાઉ ભાજપે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ તાજેતરમાં કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. 2ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજવા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજીતરફ પ્રચાર-પ્રસાર અંગે લાદવામાં આવેલી આચારસંહિતાનું કડક પાલન થાય તે માટે પગલાં ભરવા જોઇએ, જે સંદર્ભે કોંગ્રેસ દ્વારા કારોબારી સમિતિએ 50 લાખના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે, જે અંગે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર સ્થળો ઉપર મંજૂરી વગર બેનર લગાડવામાં આવ્યા છે, તે અંગે પણ કરવામાં આવેલી ફરિયાદ સંદર્ભે મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નોડલ ઓફિસર લોકેન્દ્ર શર્માને તપાસ સોંપવામાં આવી છે. જોકે, આચારસંહિતાનું પાલન કરવામાં ઢીલી નીતિ અપનાવાતી હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક અપક્ષે પણ મેદાનમાં ઝંપલાવ્યું હતું.
ત્રિપાંખિયો જંગ ખેલાતાં બન્ને પક્ષ હાલ ઘરે-ઘરે સંપર્ક કરી મતદારોને રીઝવવાની કવાયતમાં લાગી ગયા છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ તેમના ઉમેદવાર વિક્રમ ભાટિયાનો લોકસંપર્ક વેગવાન બનાવ્યો છે, અગાઉથી જ રણનીતિ મુજબ પ્રચાર કાર્ય શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના વર્તુળોના દાવા મુજબ તેમના ઉમેદવાર જયદીપસિંહ જાડેજાના પ્રચારને હવે વેગવંતો બનાવવામાં આવશે, જ્યારે અપક્ષ પ્રકાશ ટેકવાણી પણ પ્રચાર કાર્યમાં લાગી ગયા હોવાની માહિતી મળી રહી છે. આગામી દિવસોમાં પ્રચાર કાર્યને વિસ્તારી મતદાર સુધી પહોંચી જઇ પોતાના પક્ષની અને ઉમેદવારની માહિતી પહોંચાડી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
કર્મચારીઓની આજે તાલીમ
વહીવટીતંત્ર દ્વારા નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. બૂથ ઉપર રાખવામાં આવનારા કર્મચારીઓની યાદી બનાવી સંબંધીત કર્મચારીઓને જાણ કરવામાં આવી છે, 9 બૂથના અંદાજે 40થી વધુ કર્મચારીને ઓર્ડર આપવામાં આવ્યા છે. કર્મચારીઓ માટે બુધવારે નગરપાલિકાના સભાખંડમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીલક્ષી તાલીમ અધિકારીઓ દ્વારા આપી કર્મચારીઓને માહિતગાર કરવામાં આવશે. આમ, રાજકીય પક્ષોની સાથે વહીવટીતંત્ર દ્વારા પણ તડામાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.