શિણાય પાસે બે બાઇક અથડાતાં બેનાં મોત : ત્રણની હાલત ગંભીર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે પ્રૌઢ બાઇક લઇ શિણાય તરફ જઇ રહ્યા હતા, ત્યારે સામેથી આવેલા ત્રિપલ સવારી બાઇકે સજર્યો અકસ્માત

ગાંધીધામ તાલુકાના શિણાય નજીક મંગળવારના સાંજના સમયે બે બાઇક સામસામે ધડાકાભેર ઘૂસી ગયાં હતાં, જેમાં બે પ્રૌઢના ઘટનાસ્થળે જ માથામાં હેમરેજ થવાથી કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણને ગંભીર ઇજા થવાથી બેભાન હાલતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ક્રિષ્ના કુટિયામાં રહેતા અમરીતસિંઘ શીખ (પ૦) શિણાય ગામે આવેલા ઘરે પાણીના બેરલ મૂકવાના હોવાથી મિત્ર સંગતસિંગ(પ૦)ને સાથે લઇ જીજે ૧૨ બીક્યુ ૪૮૦૯ નંબરનું બાઇક લઇને નીકળ્યા હતા. સાંજે ૪ વાગ્યા આસપાસ શિણાય ગામ નજીક યોગીપુરમની સામેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે સામેથી આવતાં ત્રિપલ સવારી બાઇકના ચાલકે કાબૂ ગુમાવી દેતાં સામસામા ધડાકાભેર અથડાયાં હતાં.

બન્ને પ્રૌઢ ફૂટબોલના દડાની માફક દૂર ફંગોળાઇ ગયા હતા, જેમાં બન્નેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું, જયેશ ગોવિંદ મહેશ્વરી(૧૯), શનિ રસિક કાતરિયા (૨૦) અને યોગેશ લાલજી સોરઠિયા (૨૦) ત્રણને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તપાસનીશ પ્રોબેશનરી ડીવાયએસપી ઋષિકેશ ઉપાધ્યાયે લખાય છે, ત્યાં સુધી પોલીસની કાર્યવાહી ચાલી હોવાથી વિગતો જાણવા મળી ન હતી.