ભુજમાં ગૌહત્યાના બે આરોપી ઝડપાયા, છરા-કુહાડી જપ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કતલખાના પર છાપો મારીને પોલીસે છરા, કુહાડી સહિ‌તનો મુદ્દામાલ પણ કબજે કર્યો
- બન્ને શખ્સને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે
ભુજ શહેરમાં ગૌહત્યા મુદ્દે બુધવારના અપાયેલા કચ્છ બંધના એલાનને પગલે પોલીસતંત્ર દોડતું થઈ ગયું હોય એમ સોમવારે પોલીસે આ પ્રકરણના બે આરોપીને ઝડપી પાડયા હતા. જીઆઇડીસી વિસ્તારના એક ઝૂંપડામાં જ ચાલતા કતલખાના પર છાપો મારીને એલસીબી તથા સીટી બી ડિવિઝનની ટીમે બેય શખ્સને પકડવાની સાથે છરા, કુહાડી સહિ‌તનો મુદ્દામાલ પણ કબજે કર્યો. આ ચકચારી પ્રકરણમાં અન્ય શખ્સોની સંડોવણી હોવાની પણ પોલીસને શંકા હોવાથી સોમવારે કોર્ટમાં રજૂ કરીને બન્નેના રિમાન્ડ પણ માગવામાં આવશે.
એલસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીઆઇડીસીમાં રેલવે ફાટક પાસે આવેલા ઝૂંપડામાં આરોપી રમેશ ઉર્ફે રિંગણો હરજીભાઈ મહેશ્વરી (સંત રોહિ‌તદાસનગર-ભુજ) અને સિદ્ધિક ઓસમાણ રાયમા(ભારાપર, તા.ભુજ)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ શખ્સોના કબજામાંથી ત્રણ છરા, એક કુહાડી, લાકડાનો થડો અને બે દોરડાં, લોહીના ડાઘવાળો વજનકાંટો પણ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત તા.૭/૩ના સાંજે ગૌત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બાબતે ગાય માલિક લાલમામદ કારા હાલેપોત્રા(રહે. જીઆઇડીસી, હંગામી આવાસ)એ બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી. તેની ગાયને ચોરવામાં આવી હતી. બાદમાં કતલ કરીને માથું, શિંગડા જેવા અવશેષ કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ બનાવથી શહેરના હિ‌ન્દુ સમાજની લાગણી પણ દૂભાતાં ગૌપ્રેમીઓએ બુધવારના કચ્છ બંધનું એલાન આપ્યું હતું, જેને પગલે પોલીસ દોડતી થઈ હતી. બાતમીદારોને પણ કામે લગાવી દેવામાં આવ્યા હતા. સોમવારે બન્ને શખ્સ ઝૂંપડામાં હોવાની બાતમી મળતાં ભુજ બી ડિવિઝન પોલીસ અને એલસીબી સ્ટાફના માણસોએ બેય શખ્સને ઝડપી પાડયા હતા. બન્ને આરોપીને મંગળવારે ભુજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે. ગૌહત્યામાં અન્ય આરોપી પણ સંડોવાયાની પોલીસને આશંકા છે.
- એક શખ્સ ચોરીમાં પણ પકડાયેલો છે
ભુજમાં ગૌહત્યા કેસમાં ઝડપાયેલો આરોપી રમેશ ઉર્ફે રિંગણો ભુજ સિટી પોલીસ અને એલસીબીના હાથે અગાઉ ચોરીમાં પણ ઝડપાઈ ચૂક્યો છે.