પ. કચ્છમાં ૭૨ પોલીસ કર્મીની બદલી: વગદારો હતા ત્યાં જ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાત-આઠ વર્ષ એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મી‍ઓને બદલવામાં ન આવતાં આશ્ચર્ય

પ‌શ્ચિ‌મ કચ્છ પોલીસમાં પોલીસ વડાએ એક સાથે ૭૨ પોલીસ કર્મચારીની બદલીનો ઓર્ડર કરતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી. થોડા સમય પહેલાં જ પાંચ વર્ષ પૂરાં કરનારા કર્મચારીઓને તેમના રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ બાબતે જે કર્મચારીઓએ રિપોર્ટ આપ્યા તેમની બદલી કરવામાં આવી હતી, જ્યારે પાંચ વર્ષથી વધુ સમયથી જે-તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને કોઇ કારણોથી ટ્રાન્સફર કરવામાં આવતી ન હોવાની હકીકત સપાટી પર આવી હતી.

સત્તાવાર રીતે મળતી વિગતો પ્રમાણે પ‌શ્ચિ‌મ કચ્છના એસપીએ એક સાથે ૭૨ પોલીસ કર્મચારીની બદલીનો ઓર્ડર બહાર પાડયો હતો. આ વિગતો મંગળવારે પ્રકાશમાં આવી હતી.જ્યારે પોલીસ બેડામાંથી મળતી વિગતો પ્રમાણે આ ઓર્ડર બહાર પાડતાં પહેલાં તમામ પોલીસ સ્ટેશનને એવી સૂચના આપવામાં આવી હતી કે, જે કર્મચારીએ કોઇ એક સ્થળે ફરજના પાંચ વર્ષ પૂરાં કર્યાં હોય તેમણે તેમનો રિપોર્ટ એસપી ઓફિસમાં
રજૂ કરવો.

નિષ્ઠાવાન કર્મચારીઓએ તો આ આદેશનું પાલન કરીને તેમના રિપોર્ટ સમયસર રજૂ કરી દીધા હતા, જેને અંતે કુલ ૭૨ પોલીસ કર્મચારી કે, જેમણે જે-તે પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પૂરાં કર્યાં એમની બદલી કરવામાં આવી હતી. બીજી બાજુ કેટલાક વગદાર કર્મચારીઓએ જે-તે સ્થળે પાંચ વર્ષ કે તેથી વધુનો સમય ફરજ બજાવી હોવા છતાં તેમની બદલી કરવામાં આવી નથી. કેટલાક કિસ્સામાં માત્ર ઔપચારિક ઓર્ડર જ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પોલીસ ખાતામાં બદલીનો ધાણવો ચાપવામાં આવ્યો હતો.