ભદ્રેશ્વર પાસે ટ્રેઇલર ૨૦ ફૂટ નીચે ખાબકતાં ચાલકનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર નજીક ડમ્પર પલટી મારી જતાં ચાલકનું દબાઇ જવાથી કરુણ મોત મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ નજીક આવેલી ખારી નદીના પુલ પરથી પૂરપાટ ઝડપે પસાર થતાં ટ્રેઇલરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેઇલર પુલની રેલિંગ તોડી ૨૦ ફૂટ નીચે નદીમાં ખાબકતાં ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે દયાપર નજીક ડમ્પર પલટી મારી જતાં સાંતલપુરના ચાલકનું દબાઇ જતાં પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મુન્દ્રાથી માલ ભરી ગાંધીધામ તરફ જતું જી.જે.૧૨ એકસ ૩૦૦૨ નંબરનું ટ્રેઇલર ભદ્રેશ્વર નજીક ખારી નદીના પુલ પરથી સવારના ૬:૩૦ વાગ્યા અરસામાં પસાર થતું હતું, ત્યારે ટ્રેઇલરચાલક ધર્મેન્દ્ર જયપ્રકાશ યાદવે (ઉ.વ.૨૦) સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રેઇલર ૨૦ ફૂટ નીચે નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ધર્મેન્દ્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કલીનર વીરેન્દ્રસિંહ સતાસિંહ યાદવને ફ્રેકચર સહિ‌તની ઇજાઓ પહોંચતાં સારવારમાં ખસેડાયો છે. અન્ય એક બનાવમાં દયાપર નજીક ખટિયાથી એક કિ.મી.દૂર અમિયા તરફ જતા માર્ગ પર ગુરુવારના મોડી સાંજે ૭:૩૦ વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે પસાર થતું જી.જે.૧પ એકસ ૧પ૧૩ નંબરનું ડમ્પર પલટી ખાઇ જતાં પાટણ જિલ્લાના સાણત્રા ગામના ચાલક નામેરી ચમારનું દબાઇ જવાથી સારવાર મળે તે પૂર્વે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ઉપરોકત બન્ને બનાવમાં પોલીસે ચાલકો સામે ગફતલભરી રીતે વાહન હંકારવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રેઇલરને ક્રેઇનની મદદથી બહાર કઢાયું ભદ્રેશ્વર નજીક સર્જા‍યેલો અકસ્માત એટલો ગંભીર હતો કે, ૨૦ ફૂટ નીચે નદીમાં ખાબકેલાં ટ્રેઇલરને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ અંદર રહેલા ચાલકના મૃતદેહને બહાર કાઢી શકાયો હતો.