ગાંધીધામનો ટાઉનહોલ ગોડાઉન બન્યો, કલેક્ટરને કરેલી રાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - ટાઉન હોલ આગળ કચરાંના ઢગ)

- વિપક્ષના નેતાએ કલેક્ટરને કરેલી રાવ
લાખોનો ખર્ચ છતાં ટાઉન હોલનો ઉપયોગ ન થયો

ગાંધીધામ: ગાંધીધામ નગરપાલિકા હસ્તકની કરોડો રૂપિયાની સ્થાવર મિલકત ખંડર હાલતમાં થતાં લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. મિલકતોની જાળવણીમાં બેદરકારી અને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તે રકમનો હેતુ સરતો નથી. જાળવણીના અભાવે ટાઉન હોલ જર્જરિત હાલતમાં અને ગોડાઉન જેવી સ્થિતિમાં રૂપાંતરીત થયો હોવાથી આ સુવિધાને લોકભોગ્ય બનાવવા નગરપાલિકાના વિપક્ષના નેતાએ કલેક્ટરને પત્ર પાઠવી પાલિકાને આદેશ કરવા માગણી કરી છે.

વિપક્ષી નેતા સંજય ગાંધીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, નગરપાલિકા દ્વારા રામલીલા મેદાન નજીક આવેલા ટાઉન હોલ હાલમાં ગોડાઉન બની ગયું છે. ઘણા સમય પહેલાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યા બાદ એક પણ વખત ઉપયોગમાં લેવામાં આવ્યો નથી કે પાલિકાને આર્થિક ફાયદો થયો નથી, તેમાં ટાઉન હોલની અણધડ રીતે કરવામાં આવેલી મરંમત જવાબદાર છે. શહેરમાં સારા કાર્યક્રમ થઇ શકે તેવો એક પણ હોલ નથી, તેવા સંજોગોમાં ટાઉનહોલનું સુનિયોજિત પ્લાનિંગ કરવામાં આવે, તો તે લોકોને ઉપયોગી નિવડે તેમ છે. વળી, શહેરની મધ્યમાં આવેલી ગાંધી માર્કેટમાંથી પાલિકાને દર વર્ષે સારી રકમ ભાડાં પેટે મળે છે, પણ પ્રાથમિક સુવિધાના અભાવે અડધાથી વધુ ઓફિસો-દુકાનો બંધ હાલતમાં છે. માર્કેટમાં પ્રવેશવું પણ દુષ્કર થઇ ગયું છે. વીજળીની વ્યવસ્થા ન હોવાથી દાદરામાં અંધારપટ છવાયેલો રહે છે. ટોઇલેટની હાલત પણ ખરાબ છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે. થોડા સમય પહેલાં અહીંની વ્યવસ્થા સુધારવા ફાળવવામાં આવેલી રકમનો ખર્ચ થયો છે કે કેમ, તેની તપાસ કરવા માગણી કરી છે.

આદિપુરમાં પણ બગીચાનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયા બાદ પ્રસંગોપાત તેને ભાડે આપી નગરપાલિકાએ આર્થિક ઉપાર્જનનું સાધન બનાવી લીધું છે. સારા-નરસા પ્રસંગોએ શહેરીજનોને ભાડે આપવામાં આવે તેમાં વાંધો નથી, પણ જે હેતુથી બગીચાનું નિર્માણ થયું છે, તે લોકો માટે પ્રવેશ બંધ કરવો જોઇએ નહીં. બગીચાનો ચોક્કસ હિસ્સો નક્કી કરી તે જ જગ્યા ભાડે આપવી જોઇએ. ભાડે લેનારાને સફાઇની જવાબદારી પણ સોંપવી જોઇએ, જેથી ગંદકી ન ફેલાય. ગુરુકુળમાં પ્લોટમાં પંડિત દીનદયાલ એસેમ્બલી હોલ બનાવવામાં આવ્યો છે.
અગાઉની સામાન્ય સભામાં પણ વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી, છતાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. ઉદ્દઘાટન સમારોહ પછી આ હોલ એક પણ વખત ભાડે અપાયો નથી. પાલિકા હસ્તકની કરોડો રૂપિયાની સ્થાવર મિલકતની હાલત ખંડર જેવી થતી હોઇ વિકાસનું ગાણુ ગાતા પાલિકાના સત્તાધિશો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં આ તમામ સ્થળો લોકભોગ્ય બને તેવું આયોજન કરવાનો આદેશ આપવા માગણી કરાઇ છે.


અગાઉ કેપીટીએ નનૈયો ભણ્યો હતો
ડીસી-2માં બનાવવામાં પંડિત દીનદયાલ હોલ બનાવવામાં આવ્યો છે, જે કોન્ટ્રાક્ટ બેઝથી આપવામાં આવ્યો છે, તેનો લોકો સારા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ટાઉન હોલ લેવા માટે કોઇ લેવાવાળું ન હતું. અગાઉ ટાઉનહોલ કોન્ટ્રાક્ટ બેઝથી આપવા પાલિકાએ હિલચાલ કરી હતી, પરંતુ કેપીટીએ નનૈયો ભણતાં કોન્ટ્રાક્ટ બેઝ પર આપવાની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. પાલિકા દ્વારા લોકોપયોગી કાર્યો કરવામાં આવે જ છે.
- સુરેશ શાહ, પ્રમુખ, ગાંધીધામ પાલિકા

મનોરંજનના સાધનની સુવિધા જ નથી

શહેરીજનો માટે મનોરંજનનું એક પણ સ્થળ નથી, પાલિકા હસ્તકના બગીચાઓની હાલત ખરાબ છે. એક પણ બગીચામાં ભૂલકાઓ માટે રમત-ગમતના સાધનોનો અભાવ છે. આર્થિક સમૃદ્ધ શહેરમાં પછાત, ગરીબ, શ્રમજીવી, મધ્યમવર્ગી લોકો પણ મોટી સંખ્યામાં વસે છે. રજા કે તહેવારોમાં પરિવાર સાથે હરવા-ફરવા માટેનું એક પણ સ્થળ નથી. પાલિકા હસ્તકના વિવિધ વિસ્તારોમાં આવેલા વિશાળ પ્લોટમાં બગીચાઓ આવ્યા છે, પરંતુ તેની દુર્દશા છે અને કેટલાંક સ્થળો અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયાનો આક્ષેપ કર્યો છે.