ત્રણ દાયકા પહેલાંના ચાંદી કેસમાં ત્રણ વેપારીને છ માસની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જાહેરનામા અને કસ્ટમના કાયદાનો ભંગ કર્યો હતો
- કેસ ચાલ્યો એ દરમિયાન આરોપી પિતાનું મોત થયું હતું
ભુજમાં ત્રણ દાયકા પહેલાંના ગેરકાયદે ચાંદીના કેસમાં અહીંની સેશન્સ અદાલતે ચુકાદો આપતાં ત્રણ વેપારી બંધુને છ માસની કેદ ફટકારી હતી. આ કેસ વિશે કસ્ટમના વકીલ રત્નાકરભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, વર્ષ ૧૯૮૨માં ભુજના વેપારી જેઠાલાલ નાનજી સોની, તેમના પુત્રો નટવરલાલ, હરીશલાલ અને હરસુખલાલની ધરપકડ કરવામાં આવી હતી. દરોડો તેમના ધંધાના સ્થળે પાડવામાં આવ્યો હતો, ત્યાંથી કસ્ટમ વિભાગે રૂ.૭૪૦૦૦ની ચાંદી કબજે કરી હતી.
ભુજ પાકિસ્તાનથી પ૦ કિલોમીટરના દરિયાઈ અંતરે હોવાથી અહીં એ સમયે ચાંદી ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં ઘૂસાડવાના બનાવો બનતા હતા. જાહેરનામા પ્રમાણે દરેક વેપારીએ ચાંદીના માતબર મુદ્દામાલ વિશે સરકારને જાણ કરવી જરૂરી હતી. આ ઉપરાંત કસ્ટમ એક્ટની કલમ ૧૩પનો પણ ભંગ કરવામાં આવ્યો હતો.
વર્ષો સુધી કાનૂની દાવપેચ ખેલાયા હતા. ૨૦૧૦ની સાલમાં ભુજની ચીફ કોર્ટે કસ્ટમની ફરિયાદ રદ્ કરી આરોપીઓને બિનતહોમત છોડી દીધા. કસ્ટમે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી. આ અપીલને માન્ય ગણીને કોર્ટે કેસ આગળ ચલાવ્યો હતો, જેના ચુકાદામાં જજ એન.એમ. કરોવડિયાએ ત્રણેય વેપારી બંધુને છ માસની સજાનો ચુકાદો આપ્યો હતો. ત્રણેયને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
- ચાંદી પાકિસ્તાન મોકલાય એવી શંકા હતી
એંસીના દાયકામાં દાણચોરીની બદી ભારે વકરેલી હતી. એ સમયે ભુજના આ કેસમાં પણ ચાંદીનો માલ પાકિસ્તાન જાય એવી શંકા હતી.