3.13 લાખના ચોરાઉ માલ સાથે બે જબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-આદિપુરમાં ચોરાઉ 14 લેપટોપ, મોબાઇલ સહિતની ચીજો દુકાન પર વેચાતો હતો અને પોલીસે છાપો માર્યો
ભુજ: આદિપુરમાં રવિવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂા.3.13 લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સને પકડી પાડ્યા હતા. એક શખ્સ ઘરોમાંથી ચોરેલા લેપટોપ, મોબાઇલ સહિતની ચીજો દુકાનદારને વેચવા જતાં બન્નેને રંગેહાથ ઝાલી લેવાયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રકરણમાં આરોપી તરીકે પ્રવીણ રામ બગડા(રહે. પટેલકા, તા. કલ્યાણપુર, જિ.જામનગર) અને પિયૂષ દિલીપ ઠક્કર (રહે. સિદ્ધેશ્વર સોસાયટી, આદિપુર)ની ધરપકડ કરવામાં આવી હતી.
એલસીબીને બાતમી મળેલી કે, પ્રવીણ બગડા પહેલાં આદિપુરના કેસરનગરમાં રહેતો હતો અને હાલ તે પટેલકા ગામે રહે છે, આ શખ્સે આદિપુરમાં દિવસના ભાગે આવીને બંધ મકાનોના તાળાં તોડી એમાંથી લેપટોપ, ટીવી, મોબાઇલની ચોરી કરી છે. આ ચોરાઉ મુદ્દામાલ તે આદિપુરમાં ગેસ એજન્સી સામે આવેલા ક્રિષ્ના મોબાઇલની દુકાનમાં પિયૂષ ઠક્કરને વેચવા માટે આવ્યો હતો.

આ બાતમી આધારે પોલીસે મોબાઇલની દુકાન પર છાપો મારીને બેય શખ્સને 14 લેપટોપ, એક એલઇડી, એક આઇપોડ, એક બ્લેક બુક, ત્રણ સેલફોન મળીને રૂા.3.13 લાખના ચોરાઉ માલ સાથે પકડી પાડ્યા હતા. એલસીબીના સબ-ઇન્સ્પેક્ટર આર.કે. ધૂળિયા સાથે એએસઆઇ મોહમ્મદ શબ્બીર, હેડ કોન્સ્ટેબલ રાજકુમાર, કોન્સ્ટેબલ હરદેવસિંહ, બલભદ્રસિંહ, બાલુભાઈ, વિક્રમસિંહે કાર્યવાહી કરીને આગળની તપાસ માટે બન્ને શખ્સને આદિપુર પોલીસને હવાલે કર્યા હતા.