ભુજ: તોફાનમાં કબજે થયેલાં 127 વાહનમાંથી બેફામ તસ્કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- ભૂજ પોલીસ સ્ટેશનમાં ભંગાર જેમ પડેલા વાહનો)

આશ્ચર્ય| ખુદ પોલીસની 24 કલાક હાજરી, છતાં બી-ડિવિઝન પોલીસ મથકમાં મૂકાયેલાં વાહનોની સલામતી રામ ભરોસે
-> પોલીસની મીઠી નજર આ ચોરીચપાટી કરનારાઓ પર હોવાની ચર્ચા > પોલીસ આંગણામાં રહેલાં વાહનોમાંથી મોંઘેરો સામાન થાય છે ગાયબ

ભુજ: ભુજમાં ઓગસ્ટ માસમાં સોશિયલ સાઇટ પર અલ્લાહ પર કરાયેલી ટિપ્પણી બાદ શહેરના બી-ડિવિઝન પર આરોપીને લોકોને સોંપી દેવાની માગણી સાથે ટોળાં દ્વારા જે પથ્થરમારો કરાયો હતો, તે ઘટના સંદર્ભમાં કબજે કરાયેલાં 127 વાહન હાલે બી-ડિવિઝનની સામે પડ્યાં છે. આ કેસ જ્યાં સુધી તપાસના અંતિમ બિંદુ સુધી ન પહોંચે, ત્યાં સુધી આ કબજે કરાયેલાં વાહનો સાચવવા અને સલામતી જાળવવાની જવાબદારી પોલીસની છે, પણ અહીં ઉંધું ચિત્ર ઊભું થયું છે. આ તમામ વાહનોના કિંમતી પોર્ટસની ડંકાની ચોટ પર ચોરી થઇ ગઇ છે અને આ સિલસિલો હજી પણ ચાલુ જ છે. 99 ટકા વાહનોના મોંઘેરા પાર્ટસ પોલીસ સ્ટેશન સામેથી જ પગ કરી ગયા છે, આમ છતાં આ મુદે કોઇ ચું કે ચાં નથી કરતું. પોલીસના નાક નીચેથી થતી આ ચોરીમાં પોલીસની મીઠી નજર છે કે પછી ચોરીચપાટી કરનારાઓને જે લઇ જવું હોય તે લઇ જવા છૂટો દોર આપી દેવાયો છે.

આ તોફાનની ઘટના બાદ પોલીસે કડક રૂખ અપનાવ્યું હતું. સરપટ ગેટ પાસે આસપાસ પડેલાં વાહનો કબજે કરી લીધાં હતાં, જે હજી પણ બી-ડિવિઝનની બહાર ધૂળમાં રગદોળાઇ રહ્યાં છે. નિયમ મુજબ કોઇ પણ ગુનામાં વાહન કબજે કરાયું હોય, તો તેની સાચવવાની અને સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે, પણ અહીં પોલીસની બેદરકારીના કારણે ચોરી કરનારાઓને છૂટો દોર મળી ગયો છે, આમ પણ ભુજના કોઇપણ પોલીસ સ્ટેશનના પરિસરમાંથી ડિટેઇન કરેલાં વાહનોમાંથી ચોરી કરવાનો સિલસિલો જૂનો અને પંકાયેલો છે. એ-ડિવિઝન હોય કે જૂના તાલુકા પોલીસ સ્ટેશનનું પરિસર હોય, ચોરી થવા પાછળ પોલીસની મિલિભગત હોવાનું પણ સૌ જાણે છે. 24 કલાક જ્યાં પોલીસ હાજર રહેતી હોય, છતાં પણ કબજે કે ડિટેઇન કરેલાં વાહનોના મોંઘા પાર્ટસ ગુમ કઇ રીતે થઇ જાય તે આશ્ચર્યની વાત છે !!
આગળ વાંચો "ભાસ્કરે' મિકેનિકને સાથે રાખીને ચોરીનો કર્યો પર્દાફાશ