- સરકારી કર્મચારીને ત્યાં ખાતર પડયું
- ધોળા દિવસે જ કોઇ શખ્સો કબાટમાંથી દીકરીના દાગીના ચોરી ગયા
- દાદુપીર રોડ પર આવેલાં મકાનના તાળાં તોડી એકાદ લાખની માલમતા તસ્કરો ઉઠાવી ગયા
ભુજ શહેરમાં કોઇ પણ ઘરમાંથી માલમતા સાફ કરવી લુખ્ખા શખ્સો માટે ડાબા હાથનો ખેલ બની ગયો છે, એવામાં દાદુપીર રોડ પર આવેલાં એક ઘરમાં તો ધોળા દિવસે માતબર મત્તાની ચોરી થતાં પોલીસની આબરૂના ધજાગરા બોલી ગયા હતા, જેના ઘરમાં ચોરી થઈ એય વળી સરકારી કર્મચારી છે. ખુદ સરકારી માણસોના ઘર પણ હવે સલામત રહ્યાં નથી, એવામાં સામાન્ય માણસોના ઘર પોલીસ કઈ રીતે મહેફૂજ રાખી શકે? એવો વેધક સવાલ હવે સૌના મોઢે રમી રહ્યો છે.
સત્તાવાર રીતે મળતી વિગતો પ્રમાણે શહેરના દાદુપીર રોડ પર રહેતા ધનજી લક્ષ્મણભાઈ વાઘેલાના ઘરમાંથી બુધવારે સવારે આઠ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કોઇ અજાણી વ્યક્તિ તેમના ઘરમાં ઘૂસી હતી, તેમના ઘરમાં રાખેલા કબાટમાં પડેલાં સોનાનો હાર, બૂટી, ચાર સેર, વીંટી અને રોકડા ૪૦૦ મળીને કુલ રૂ.એકાદ લાખની માલમતા સાફ થઈ ગઈ હતી. આ બનાવ વિશે ભુજ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પીએસઆઇ વી.આર. ચૌધરીએ જણાવ્યું કે, ધનજીભાઈ ભુજમાં સરકારી દવાખાનામાં નોકરી કરે છે. તેઓ સવારના સમયે નજીકના એરિયામાં રહેતા તેમના ભાઈના ઘરે ગયા, ત્યારે ખુલ્લાં રહેલાં ઘરમાંથી ચોરી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ પહેલાં આ જ રોડ પર એક મકાનમાંથી તસ્કરી થઈ હતી, એ ઘટના વિશે પણ પોલીસ હજી સુધી કોઇ ઉકેલ લાવી શકી નથી. શહેરમાં ઉપરાઉપરા બની રહેલી ચોરીની ઘટનાઓથી પોલીસની ઇજ્જત દાવ પર મૂકાઈ ગઈ છે.
- બારોઈમાં દાંડિયારાસ વેળા બાઈક ઉપડી ગઇ
મુન્દ્રા તાલુકાના ગોયરસમાનો યુવાન દાંડિયારાસ રમવા બારોઈ ગયો, ત્યારે તેની રૂ.૨૦ હજારની કિંમતની બાઇક કોઇ શખ્સો ઉઠાવી ગયા હતા. ગત રવિવારે બનેલી આ ઘટના વિશે રવુભા માનસંગજી સમાએ બુધવારે ફરિયાદ નોંધાવી હતી.
- શિકારપુરમાં ૮પ હજારના કેલબની તસ્કરી
ભચાઉ તાલુકાના શિકારપુરમાં એક પવનચક્કી પાસેથી રૂ.૮પ હજારના કેબલ કોઇ અજાણ્યા તત્ત્વો કાઢી ગયા હતા. આ બનાવ મંગળવારે વહેલી સવારે બન્યો હતો. ૮પ૦ મીટરની કેબલ ચોરી અંગે સામખિયાળી પોલીસમાં એફઆઇઆર નોંધાતાં તપાસ શરૂ કરવામાં આવી પણ તસ્કરો હાથમાં આવ્યા નહોતા.