કૃત્રિમ તળાવને શ્રીજીની મૂર્તિ સહિત શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કૃત્રિમ તળાવને શ્રીજીની મૂર્તિ સહિત શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂરાશે
- ભુજમાં ગણેશજીના વિસર્જન માટે બનાવાયેલાં તળાવમાં ભગવાનની દુર્દશા બાદ સુધરાઇ દ્વારા લેવાયો નિર્ણય

ભુજ : ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરે કચ્છની પાલિકાઓને આદેશ કર્યો હતો, જેના અનુસંધાને ભુજની પાલિકાએ લોકો હમીરસર તળાવને પ્રદૂષિત ન કરે, તે માટે અનુરોધ કરવા સાથે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું, પરંતુ તેમાં મૂર્તિઓ વિસર્જન કર્યા બાદ એમ જ છોડી દેવાતાં લાગણી દુભાઇ હોવાનો સૂર ઉઠયો છે, સુધરાઇ હવે શાસ્ત્રોક્તવિધિ સાથે વિસર્જન કરીને તળાવને મૂર્તિઓ સાથે પૂરી દેશે.

વહીવટીતંત્ર દ્વારા પહેલાંથી તકેદારી ન લેવાતાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું કચ્છમાં ધૂમ વેચાણ થયું હતું, જેના પરિણામે તેના વિસર્જન માટે સમસ્યા સર્જાઇ હતી. હાઇકોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું અને તળાવો પ્રદૂષિત ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઇ હતી, જેના અનુસંધાને ભુજ સુધરાઇ દ્વારા લોકોને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા અનુરોધ કરાયો હતો અને સુધરાઇએ કલેક્શન હમીરસર તળાવ પાસે ટ્રેક્ટરો પણ ઊભાં રાખ્યાં હતાં,
જ્યાં મૂર્તિઓ એકઠી કરીને તેને સન્માનપૂર્વક વિસર્જન કરાશે તેવો કોલ આપ્યો હતો, પરંતુ કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ વિસર્જન કર્યા બાદ તે બદતર હાલતમાં એમ ન એમ છોડી દેવાતાં આ મુદે્ રોષની લાગણી ફેલાઇ છે, ત્યારે આ મુદે્ ચીફઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે,મૂર્તિઓના સ્થાપન સમયે તેમાં પ્રાણ પૂરવામાં આવતા હોય છે અને વિસ્થાપન સમયે દેવને રજા અપાય છે, ત્યારબાદ તે માત્ર મૂર્તિઓ જ રહે છે. અમારા દ્વારા મૂર્તિઓનું વિસર્જન બરાબર કરાયું છે,
પણ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની હોતાં તે પાણીમાં ઓગળી શકી નથી, હવે અમારા દ્વારા બાહ્મણ બોલાવીને વિસર્જન માટે શાસ્ત્રોક્તવિધિ કરાશે અને ત્યારબાદ આ કૃત્રિમ તળાવેને મૂર્તિઓ સહિત પૂરી દેવામાં આવશે. આ વિધિ એટલા માટે કરાશે, જો કોઇ ભાવિકે ન કરી હોય તો થઇ જાય.