તલચોરીમાં ભુવડના મહિ‌લા સરપંચ પતિ સહિ‌ત ચાર પકડાયા, ત્રણ ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુન્દ્રા પોલીસે શંકાસ્પદ માલ કબજે કર્યો, ને ગાંધીધામની ઠગાઇનો ભેદ ઉકેલાયો
- ૯૦ કિલો તલની ઘટ પડી : ત્રણ હજુ ફરાર

ગાંધીધામના ટ્રાન્સપોર્ટરે જીઆઇડીસીમાં ગોડાઉનમાંથી ૩૦.૨૮ લાખનો તલનો જથ્થો ભરી ટ્રક-કન્ટેનર મુન્દ્રા પોર્ટ રવાના કર્યું હતું, પરંતુ આ જથ્થો પહોંચાડવાને બદલે અધવચ્ચે જ ગુમ કરી નાખતાં ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવી હતી, તેવામાં મુન્દ્રા પોલીસે ભોરારાની સીમમાંથી ત્રણેક દિવસ પૂર્વે શંકાસ્પદ તલનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં ગાંધીધામમાં થયેલી ઠગાઇનો ભેદ ઉકેલાઇ ગયો હતો અને ભુવડના મહિ‌લા સરપંચ પતિ સહિ‌ત ચારની સંડોવણી ખૂલતાં ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં હજુ ત્રણ આરોપી ફરાર છે.

આયર કન્ટેનર મૂવર એન્ડ ટ્રાન્સપોર્ટ કંપનીના લખુભાઇ સવાભાઇ ડાંગરે ચાલક બલરામને જીઆઇડીસીમાં શાહના ગોડાઉનમાંથી ૧૮૯૩૦ કિલો તલનો જથ્થો ભરી મુન્દ્રા રવાના કર્યો હતો, પરંતુ ચાલકે અન્ય અશોકરાય મોહનરાયની મદદથી બારોબાર વેચી માર્યો હતો, તેવામાં ગત તા.૨૭ના મુન્દ્રાના ઇન્સ્પેક્ટર વાળાને ભોરારા ગામની સીમમાં શંકાસ્પદ તલનો જથ્થો હોવાની બાતમી મળી હતી, જેને આધારે રેડ પાડી ૩૦ લાખના તલ કબજે લીધા હતા અને હરેશ રતન ગઢવી(પાંચોટિયા) તથા ઇન્દ્રજીતસિંહ પ્રદીપસિંહ જાડેજા(સમાઘોઘા)ની ધરપકડ કરી હતી, જેની પૂછતાછમાં ગાંધીધામનો માલ હોવાનું કબૂલતાં બન્નેને મુદ્દામાલ સાથે ગાંધીધામ બી ડિવિઝનને સોંપ્યા હતા, જેની પૂછપરછમાં ચાલક અને તેનો મિત્ર ઉપરાંત કિડાણાના અશોક ગોવિંદ ચારણ, ભુવડના મહિ‌લા સરપંચ પતિ કાનાભાઇ આહિ‌રની સંડોવણી ખૂલતાં પોલીસે આ બન્નેને પણ ઉપાડી લીધા હતા. અત્યાર સુધીમાં મોટા ભાગનો માલ રિકવર થઇ ગયો છે, જ્યારે ૯૦ કિલોની ઘટ પડી છે. આ પ્રકરણમાં દાઉદ રમજુ, બલરામ અને અશોકરાય મોહનરાયને હજુ પોલીસ શોધી રહી છે.

કોની શું ભૂમિકા હતી?

સબ ઇન્સ્પેક્ટર ગોલે કહ્યું હતું કે, દાઉદ રમજુ અને સરપંચ પતિ કાના આહિ‌રે સમગ્ર પ્લાન ઘડયો હતો અને ટ્રકચાલક પાસેથી માલ ખરીદી લીધો હતો. ત્યાર બાદ માલ વેચવા માટે દલાલ અશોક ચારણનો સંપર્ક કર્યો હતો, જેણે પાર્ટી શોધી હતી અને હરેશ ગઢવી તથા ઇન્દ્રજીતસિંહ જાડેજાએ બન્ને પાસેથી માલ ખરીદ્યો હતો.

ત્રણ લાખ તો ચૂકવાઇ પણ ગયા

માલનો સોદો થયાના બીજા જ દિવસે દલાલ અશોક ચારણે પાર્ટી પાસેથી ત્રણ લાખ લઇ કાના આહિ‌ર બેલડીને ચૂકવી પણ આપ્યા હતા.