• Gujarati News
  • Sugariya Gas Pipeline In The Area Of The Protests Spread

સુગારિયા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન પાથરવાનો વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંપની દ્વારા વળતર ચૂકવવાની બાંહેધરી અપાયા વિના કામ શરૂ કરાતાં ખેડૂતો ખફા

સુગારિયા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેસની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાતાં ધરતીપુત્રોએ વિરોધ દર્શાવ્યો હતો. અંદાજે ૮પ જેટલા ખેડૂતે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમના ખેતરોમાં લાઇન પાથરવા માટે કંપની દ્વારા કેટલું વળતર ચૂકવાશે તેની જાણ કર્યા વિના ધાકધમકીપૂર્વક કામ શરૂ કરી દેવાયું છે.

ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિ. દ્વારા ભુજ સુધી ભૂગર્ભ ગેસ પાઇપલાઇનનું કામ શરૂ કરાયું છે, જે અંતર્ગત કામગીરી આરંભાયા બાદ ખેડૂતને ખુદના ખેતરમાં પ્રવેશતાં પોલીસ અટકાવે છે તેવું આક્રોશ સાથે જણાવતાં પ્રતાપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, સુગારિયાના ૪૯ અને રતનાલના ૩પ કિસાનની જમીનમાંથી આ લાઇન પસાર થવાની છે, જેના વળતર માટે કંપનીએ કોઇ બાંહેધરી આપી નથી.

જાહેરનામા દ્વારા જાણ કરાઇ છે
આ અંગે કંપનીના ગઢવીભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૭માં જાહેરનામું બહાર પડાયા બાદ જમીન સંપાદન અંગે ખેડૂતોને જાણ કરાઇ છે અને નિયમ મુજબ પ૦ દિવસ બાદ તમામને વળતર પણ અપાશે.

ખેડૂતોની સહી શંકાસ્પદ
કંપની દ્વારા ખેડૂતોને જે નોટિસ અપાઇ છે તેની સ્વીકૃતિરૂપે થયેલી કેટલીક સહી શંકાસ્પદ છે. કેમ કે, અભણ કિસાનોની અંગ્રેજીમાં સહી જોવા મળી હતી.

જયાંથી પાઇપલાઇન પસાર થાય છે, ત્યાં એકઠા થયેલા ખેડૂતો - ભાવેશ ગોર