• Gujarati News
  • Suddenly There Were Fewer Animals Running Sonalanagaramam Dhoravadamam

સોનલનગરમાં ચાલતા ઢોરવાડામાં પશુઓ અચાનક ઓછાં થઇ ગયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકામાં અપૂરતા વરસાદને પગલે અર્ધ અછતગ્રસ્ત જાહેર થયા બાદ શરૂ કરવામાં આવેલા ૨૧ જેટલા ઢોરવાડા પૈકી સૌપ્રથમ વખત દયાપર મામલતદારે કરેલાં ચેકિંગમાં સોનલનગર (પાનધ્રો) ખાતે સંખ્યા કરતાં ઓછા ઢોર તેમજ નિયમ મુજબ લીલોચારો સ્થળ પર ન મળતાં આ ઢોરવાડો બંધ કરવાની દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી છે.

મામલતદાર તૃપ્તિબેન વ્યાસે જણાવ્યું હતું કે, લખપત તાલુકામાં ઘાસચારાની પશુઓ માટે સર્જા‍યેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે મંજૂર થયેલા ૨૧ જેટલા ઢોરવાડા શરૂ કરાયા બાદ આજે સૌપ્રથમ વખત કરવામાં આવેલાં ચેકિંગ દરમિયાન તાલુકાના પાનધ્રો નજીક આવેલાં સોનલનગર ખાતે ચાલતા પરમાર્થ સાહિ‌ત્યિક ટ્રસ્ટ સંચાલિત ઢોરવાડાની લીધેલી મુલાકાત દરમિયાન માત્ર ૧૮૩ જેટલા જ ઢોર નજરે પડયા હતા. સ્થળ પર કરેલાં રજિસ્ટરોની ચેકિંગમાં નોંધાયેલાં ૮૦૮ જેટલા પશુને બદલે માત્ર ૧૮૩ જેટલાં જ પશુ હોવાથી તેમજ નિયમ મુજબ કાર્યરત ઢોરવાડાઓમાં લીલા ઘાસચારોનો સ્ટોક રાખવાનો હોય છે, પરંતુ પત્રકમાં ૯૭૮ કિ.ગ્રા. જેટલો લીલોચારો સ્ટોકપત્રકમાં નોંધાયેલો હતો, પરંતુ સ્થળ પર બિલકુલ ચારો જોવા મળ્યો નહોતો. ઢોરવાડાના સ્થળે પશુઓ માટે ચોવીસ કલાક રહી શકે તેવી વ્યવસ્થા, છાંયડો, પાણી સહિ‌તની સુવિધામાં અધૂરાશો હતી.

ઢોરવાડો બંધ કરવાની દરખાસ્ત જિલ્લા કલેકટર તેમજ ડેપ્યુટી કલેકટરને કરી હોવાનું જણાવ્યું હતું, તો બીજીતરફ અછતગ્રસ્ત જાહેર થયેલા લખપત તાલુકામાં ઘાસચારાની અછતને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા નીરણકેન્દ્રોમાં ચાલી રહયાં છે, મંજૂરી મળ્યા બાદ ૨૧ જેટલા ઢોરવાડા ચાલુ કરવામાં આવ્યા છે.

સંચાલકોમાં ફફડાટ
લખપત તાલુકામાં ગણતરીના દિવસો પહેલાં જ શરૂ થયેલા ઢોરવાડાઓ પૈકી સૌપ્રથમ વખત આજે તાલુકા મામલતદારના ચેકિંગ દરમિયાન નિયમ કરતાં ઓછા ઢોર હોતાં આ ઢોરવાડો બંધ કરવા માટે કરાયેલી ઉચ્ચકક્ષાએ રજૂઆતને પગલે અન્ય સંસ્થાઓ દ્વારા ચલાવતા ઢોરવાડાના સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.