તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂવા માટે રૂમ બદલ્યો અને ઘરમાંથી ૬.પ૪ લાખની ચોરી થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આદિપુરના વોર્ડ ૩/બી માં બનેલો તસ્કરીનો વિચિત્ર બનાવ
- એક દિ’ રોકડ રકમ જમા કરાવવા ન ગયા અને તસ્કરોનું નસીબ કામ કરી ગયું

નસીબને લીધે લોકોને કેવા જુદા-જુદા અને વિચિત્ર અનુભવ થતા હોય છે, તેનું ઉદાહરણ આદિપુરમાં શનિવારે રાત્રે એક ટ્રાન્સપોર્ટરને જોવા મળ્યું હતું. દરરોજ બેંકમાં ધંધાની સિલક જમા કરાવનારા આ ટ્રાન્સપોર્ટરે મોડું થઇ જતાં શનિવારે રોકડ રકમ ઘરમાં રાખી અને રોજ સૂઇ જતા હતા, તે રૂમને બદલે બીજા રૂમમાં સૂઇ ગયા અને તસ્કરો ઘરમાં ત્રાટકી ૬.પ૪ લાખની ધંધાની સિલક અને દાગીના ચોરી ગયા હતા.

વોર્ડ નં. ૩/બીમાં રહેતા ટ્રાન્સપોર્ટર પ્રમોદકુમાર છબીલદાસ બંસલે ચોરીની આ વિચિત્ર ફરિયાદ નોંધાવી હતી. પ્રમોદકુમારના જણાવ્યા મુજબ શનિવારે દિવસભર તેમના ધંધામાંથી મળેલી પ.૦૬ લાખની રોકડ રકમ લઇને ઘરે પહોંચ્યા, ત્યારે મોડું થઇ ગયું હતું, જેથી આ રકમને તેઓ બેંકમાં જમા કરાવી શક્યા ન હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ સામાન્ય રીતે પોતાના ઘરમાં પ્રમોદભાઇ જે રૂમમાં સૂઇ જતા હતા તેને બદલે તેમણે આ રાત્રે બીજા રૂમમાં સૂવાનું પસંદ કર્યું હતું.

માઠાં નસીબ કહો કે ગમે તે, તસ્કરોને પણ જાણે આ વાત સપનામાં દેખાઇ હોય, તે રીતે તેઓ ટ્રાન્સપોર્ટર પ્રમોદભાઇના ઘરે ત્રાટક્યા હતા, જેમાં તેમનું નસીબ કામ કરી ગયું હતું અને ઘરમાં પડેલી ધંધાની રોકડ સિલક તેમજ ઘરના દાગીના સહિ‌ત કુલ ૬.પ૪ લાખનો મુદ્દામાલ તફડાવી લીધો હતો. ઘરના પાછળના ભાગે આવેલી બારીની લોખંડની ગ્રીલ તોડીને તસ્કરો અંદર આવ્યા હોવાનું પ્રમોદકુમારે પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.

રૂમમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ તિજોરીમાં રાખેલા રોકડા તેમજ દાગીના ઉપર હાથ અજમાવ્યો હતો. ખૂબ જ શિફતપૂર્વકની આ તસ્કરીને સફળ અંજામ આપીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. સવારે ફરિયાદી પ્રમોદકુમાર ઉઠયા, ત્યારે ખબર પડી કે ઘરમાં તો તસ્કરોના પરોણા થઇ ગયા હતા. લાખો રૂપિયાની આ તસ્કરી અંગે આદિપુરની પોલીસે હાલ તો ફરિયાદ દાખલ કરી છે તેમજ આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે.