કિસ્મતને મનોબળથી હંફાવતો વિકલાંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કિસ્મતને મનોબળથી હંફાવતો વિકલાંગ
-પગભર ઊભા રહેવાની મક્કમતાને વિકલાંગ બનાવવા સામે નસીબ પણ હારી ગયું
ઇશ્વર જ્યારે કંઇ છિનવી લેતો હોય છે, ત્યારે સામે કંઇ આપતો પણ હોય છે. ભલે શરીર બેકાર બની ગયું હોય પણ મનોબળને કોઇ અકસ્માત કે નસીબ વિકલાંગ બનાવી શકતો નથી તેવું પૂરવાર કરવાવાળા અનેક વિરલા આપણી આસપાસ જોવા મળતા હોય છે, જે અન્યોને માટે પ્રેરણાનું અજવાળું પાથરતા હોય છે. આવા જ એક છે સામત્રાના વિકલાંગ લાલજીભાઇ વરસાણી, જેને નસીબે શારીરિક વિકલાંગતા આપી, પણ પોતાના પગભર ઊભા રહેવાની મક્કમતાને વિકલાંગ બનાવવા સામે નસીબ પણ હારી ગયું.
ભુજ તાલુકાના સામત્રામાં રહેતા લાલજીભાઇ છ માસના હતા, ત્યારથી જ સંપૂર્ણ પગ, અડધા હાથ અને અડધો છાતીનો ભાગ વિકલાંગ બની ગયો છે. અનેક સારવાર અને રૂપિયા ખર્ચ થયા, પણ કોઇ ફેર ન પડયો. નાનપણથી જ કંઇક કરવાની ધગશ તેના દિલમાં હતી, પણ શરીરે દગો દેતાં તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા રહેતા.
નાનપણમાં સાઇકલથી શાળાએ જતાં બાળકોને જોઇને તથા તેઓને સાઇકલના પંકચર કાઢતા જોઇ એ હુન્નર તેઓ કેમ ન કેળવી શકે તેઓ પ્રશ્ન તેમને ઉદ્ભવ્યો અને બસ ત્યારથી પોતાની શારીરિક અક્ષમતાને પડકાર ગણીને ધીરે ધીરે આ કામ સાથે પોતાને એડજેસ્ટ કરીને પૂર્ણ રીતે પારંગત બન્યા . આજે તેઓ ગામના રોડ પર પંકચર કાઢવાની દુકાન ધરાવે છે. ખામીના વૃક્ષને પોષવાના બદલે તેઓ પોતાની ખાસિયતના છોડને હિંમતનું પાણી આપીને ઉછર્યો, જેના થકી આજે તેઓ પોતાનું અને માતાનું પણ ભરણ-પોષણ કરી રહ્યા છે.
એક થ્રી વ્હીલર સ્કૂટર છે, જે ચલાવી તે પોતાના બીજાં કામો કરે છે. તેઓએ જીવનમાં કયારેય બીજા પાસે હાથ નથી લંબાવ્યો કે, સરકારી સહાય લેવાનું પસંદ નથી કર્યું. તેઓ તેના જેવા કેટલાય લોકો માટે માઇલસ્ટોન બની રહ્યા છે. અશકત શરીર છતાં તેમની ખુમારી બીજા માટે પ્રેરણાસ્ત્રોત છે.
દરરોજ સવારે પ્રભાતફેરી કરે છે
પોતાની ખુમારી સાથે સમાજસેવાના કાર્યો કરવામાં પણ તેઓ પાછળ નથી. દરરોજ સવારે પ વાગ્યે ઉઠી જઇને બીજી ચાર વ્યક્તિને સાથે રાખીને પ્રભાતફેરી માટે તેઓ નીકળે છે અને બીજાઓને પ્રાર્થના માટે જગાવે છે. મંદિરમાં થતી ધાર્મિ‌કક્રિયાઓમાં ભાગ લઇ સમાજસેવામાં પણ અગ્રેસર રહે છે.