શિણાય પાસે બસ અડફેટે યુવાનનું મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરૂણતા | નોકરીથી છૂટી ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યારે સર્જાયેલી દુર્ઘટના
-કંધોતર પુત્રને ગુમાવતાં આહિર પરિવાર પર આભ તૂટી પડ્યું

ગાંધીધામ: કુદરતની સામે કાળાં માથાંનો માનવી કંઇ જ નથી! જેની પ્રતીતિ કરાવતો બનાવ ગાંધીધામના શિણાય ગામ નજીક બન્યો હતો, જે એકના એક પુત્રને પિતાને કાંધ આપવાની જવાબદારી હતી, પરંતુ માર્ગ અકસ્માતમાં તેની જ જિંદગી હોમાઇ જતાં પિતાએ પુત્રને કાંધ આપવી પડી હતી. આ અકસ્માત ગતરાત્રિના બન્યો હતો, જેમાં યુવાન નોકરીથી પરત ઘરે જતો હતો, ત્યારે રસ્તામાં ખાનગી બસે તેને અડફેટમાં લેતાં કાળનો કોળિયો બની ગયો હતો.

હદયદ્વાવક ઘટનાની મળતી વિગત પ્રમાણે, અંજાર તાલુકાના નગાવલાડિયા ગામે રહેતો શંભુભાઇ કરણાભાઇ ગુજરિયા (ઉ.વ.25) શિણાય નજીક કંપનીમાં નોકરી કરે છે, જે ગતરાત્રિના પોતાની જીજે 12 બીઇ 422 નંબરની બાઇક લઇ ઘરે જવા નીકળ્યો હતો. દસેક વાગ્યાના સુમારે શિણાય-માથક રોડ પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે પાછળથી માતેલા સાંઢની માફક દોડી આવેલી જીજે 18 એવી 2080 નંબરની બસના ચાલકે તેને પાછળથી અડફેટમાં લીધો હતો. બસની ઠોકરથી બાઇકચાલક યુવાન ફૂટબોલના દડાની માફક ફંગોળાઇને નીચે પટકાયો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જનારો ચાલક ભાગવા ગયો હતો. પરંતુ ગ્રામજનોની સમયસૂચકતાના કારણે બસ ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો ન હતો. ત્યારબાદ અકસ્માતની જાણ પોલીસને કરી હતી. ઘટનાને પગલે પોલીસ પણ તાબડતોબ સ્થળ પર દોડી જઇ મૃતક યુવાનની લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી અને ચાલકની ધરપકડ કરી હતી. બનાવની જાણ થતાં નગાવલાડીયા ગામમાંશોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતકના સગા કરસન બાબુભાઇ કાનગડની ફરિયાદ પરથી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક એકનો એક પુત્ર હતો

આદિપુરના સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રાણાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મૃતક શંભુભાઇ પિતાનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, પરિવારમાં કરૂણ ઘટના બની હોવાથી વધુ માહિતી જાણી શકાઇ નથી!