SMS મોનિટરિંગ સિસ્ટમનું નિદર્શન, માહિ‌તી મેળવવા સિસ્ટમ અમલી બનાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ચૂંટણીપંચે પળેપળની માહિ‌તી મેળવવા સિસ્ટમ અમલી બનાવી
- ઝોનલ ઓફિસરને અપાયેલા ખાસ નંબરમાં ઇવીએમનો કબજો સંભાળતાં જ ચૂંટણીપંચને કરવી પડશે જાણ


૩૦ એપ્રિલના લોકસભાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે ચૂંટણીપંચે દેશના ખૂણે-ખૂણાના મતદાનમથકોની પળેપળની માહિ‌તી મેળવવા ચાલુ વર્ષથી એસએમએસ મોનિટરિંગ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ અંતર્ગત તમામ ઝોનલ ઓફિસરોને ઇલેક્શન કમિશનનો એક નંબર આપવામાં આવ્યો છે, જેના પર ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)નો કબજો સંભાળતાંની સાથે જ નિયત નંબર પર એસએમએસ કરવાનો રહેશે. આ સિસ્ટમનું સ્થાનિક વહીવટી તંત્રે ડેમોસ્ટ્રેશન પણ પૂર્ણ કરી નાખ્યું છે.

આધારભૂત સૂત્રોએ માહિ‌તી આપતાં કહ્યું હતું કે, ગુજરાત સહિ‌ત અન્ય સ્થળોએ આઠમા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે દેશમાં જુદા-જુદા રાજ્યોમાં એકસાથે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ક્યાં મતદાન કેન્દ્ર પર ક્યારે વોટિંગ શરૂ થયું? ક્યાં અવ્યવસ્થા સર્જા‍ય સહિ‌તની પળેપળની માહિ‌તી પર બાજનજર રાખવા ચૂંટણીપંચ દ્વારા એસએમએસ મોનિટરીંગ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ સિસ્ટમ કાર્યરત કરવા ઝોનલ ઓફિસરોને ચૂંટણીપંચ દ્વારા ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. પ વિધાનસભા મતવિસ્તારમાં ૨પ૮ બૂથ આવેલાં છે અને ૨૭ ઝોનલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઝોનલોને ચૂંટણીપંચ દ્વારા એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોડવર્ડ પણ આપવામાં આવ્યા છે.

ચૂંટણી ટાણે આ સિસ્ટમ કાર્યરત કરવામાં કોઇ અવ્યવસ્થા ન સર્જા‍ય તે માટે અગાઉથી જ ડેમોસ્ટ્રેશન કરી લેવા સ્થાનિક વહીવટી તંત્રે ઝોનલ ઓફિસરોને સૂચના આપી હતી, જેને પગલે તમામ ઝોનલ ઓફિસરોએ પોતાના બૂથ પર જઇ ડેમોસ્ટ્રેશન પણ કરી નાખ્યું હતું. ડેમોસ્ટ્રેશન પૂર્ણ થતાં મામલતદારને જાણ કરી હતી અને ઓકેનું સર્ટિ‌ફિકેટ પણ આપી દેવામાં આવ્યું હતું.

- મેસેજ પહોંચતાંની સાથે જ ઓકેનો રિપ્લાય આવશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, તા.૨૯ના ઇવીએમ ઝોનલને સોંપાતાંની સાથે જ નિયત કોડવર્ડમાં તેને એસએમએસ કરવાનો રહેશે. આ મેસેજ ચૂંટણીપંચને મળતાંની સાથે જ ઓનલાઇન સિસ્ટમ મારફતે ઓકેનો રિપ્લાય આવશે. તમામ મતદાનમથક પર સ્ટાફ હાજર થઇને ઇવીએમ મશીન શરૂ કરશે, એટલે બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) ઝોનલ ઓફિસરને જાણ કરશે, જેથી ઝોનલ પીએ (પ્રેઝન્ટ ઓલ) એવો મેસેજ કરશે.