- એસટીમાંથી વેપારીને પોલીસે પકડી લીધા હતા
- ૧૧.૨પ લાખના ચાંદીના આધાર-પુરાવા મળી આવતા સમગ્ર કેસ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું
ગાંધીધામ પોલીસને માધાપરના બે વેપારી ઊંઝા-નખત્રાણા રૂટની બસમાં ચાંદીનો જથ્થો લઇને આવતા હોવાની બાતમી મળતાં બસ અટકાવી હતી અને બન્ને વેપારી પણ ૨પ કિલો ચાંદી સાથે મળી આવ્યા હતા, જેથી ચાંદીનું બિલ માગ્યું હતું, પરંતુ આ સમયે હાજર ન મળતાં શંકાસ્પદ ગણી ચાંદીનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, બપોર સુધીમાં બન્ને વેપારીએ આ માલનું બિલ રજૂ કરી દેતાં ચાંદી પરત કરવામાં આવી હતી.
બી ડિવિઝનના ઇન્સ્પેકટર વી.કે. પંડયાએ માહિતી આપતાં કહ્યું હતું કે, ડી-સ્ટાફ સાથે તેઓ રાત્રે પેટ્રોલિંગમાં હતા, ત્યારે ઊંઝા-નખત્રાણા રૂટની એસટી બસ ઊભી રાખી હતી અને ચેક કરી હતી. આ સમયે તેમાં સવાર હરેશ મનહરલાલ દેરિયા અને તેના પુત્ર કુલદીપના કબજામાંથી ૧૧.૨પ લાખની કિંમતની ૨પ કિલો ચાંદી મળી આવી હતી, જેથી બિલ માગ્યું હતું. ત્યારે બન્ને વેપારી પિતા-પુત્રે ઝેરોક્ષ બિલ રજૂ કર્યું હતું.
પરંતુ પ્રમાણિત કરેલું ન હોવાથી પોલીસને ચોરી કે છળકપટથી મેળવ્યાની શંકા ગઇ હતી, જેના આધારે ચાંદી કબજે કરવામાં આવી હતી. ત્યાર બાદ વેપારીઓએ પોલીસને ઓરીજનલ બિલ સવાર સુધીમાં રજૂ કરવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે પણ માનવતાના ધોરણે વેપારીઓને પૂરતો સમય આપ્યો હતો. અંતે વેપારીઓએ બપોરના સમયે બિલ આપી દેતાં પોલીસે પણ આ બીલની ખરાઇ કરી વિધિવત માલ પરત કરી દીધો હતો. શંકાસ્પદ ચાંદીના જથ્થા સાથે બે વેપારી પકડાયાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં દિવસભર ટોક ઓફ ધ ટાઉન બની હતી.