- ભુજમાં નીકળશે ઐતિહાસિક રવાડી, તમામ જ્ઞાતિ-સમાજના લોકો જોડાશે
- ૨પ હજારથી વધુ લોકો જોડાય તેવી શકયતા
- પાંચ જેટલા ફ્લોટ બનશે આકર્ષણરૂપ
આજે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ મહાશિવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરાશે. ભગવાન શંકરના પ્રાગટ્ય પર્વ નિમિતે ભુજમાં યોજાનારી રવાડીમાં હિન્દુની તમામ જ્ઞાતિ-સમાજના લોકો ભાગ લેશે, જે ઐતિહાસિક બની રહેશે. એક અંદાજ મુજબ ૨પ હજાર લોકો તેમાં જોડાશે, તો કચ્છભરમાં પણ નાના પાયે શોભાયાત્રા, ચાર પ્રહરની પૂજા, મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા છે.
ભુજમાં પ્રથમવાર વિરાટ શોભાયાત્રા યોજાઇ છે, જેના માટે આ વખતે વિશષ્ટિ ફ્લોટ્સ તૈયાર કરાયા છે. આમ તો માત્ર ગોસ્વામી સમાજ દ્વારા આ રવાડી યોજાતી હતી, પણ આ વખતે તેમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાયો છે. આખું શહેર કેસરી ઝંડી પતાકાથી શણગારાયું છે, તો આ રવાડીમાં અનેક જગ્યાએ સ્ટોલ્સ પણ ઊભા કરાયા છે.સવારે નવ વાગ્યે મહાકાલેશ્વર મંદિરથી આ રવાડી પ્રસ્થાન કરશે
- કયા કયા સમાજો જોડાશે
અગાઉ ગોસ્વામી સમાજ આ શોભાયાત્રા દ્વારા
મહાશિવરાત્રી ઉજવણી કરતા હોય છે પણ આ વખતે તેમાં હિન્દુ સમાજ જોડાયો છે. રવાડીમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરીષદ જેવાં હિન્દુ સંગઠનો ઉપરાંત લોહાણા, નાગર, ગોસ્વામી, જેઠી સમાજ ઉપરાંત અનેક જ્ઞાતિના લોકો જોડાવાના છે. તે સાથે શહેરના વેપારી સંગઠનો પણ જોડાવાના હોઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. આયોજકો પણ તમામ રીતે સજજ બન્યા છે.
- કયા-કયા ફ્લોટ્સ છે
રવાડીમાં ૧. નગરમેં જોગી આયા, ર. જય ભૂતનાથ, ૩. ઓમ નમ: શિવાય, ૪. દશનામ રથ અને પ. હર-હર મહાદેવ સહિત ૧પ જેટલા ફ્લોટ આકર્ષણ જમાવશે. આ કૃતિને આકર્ષક બનાવવા કલાકારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી, તો મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે શિવલિંગની વિશાળ રંગોળી પણ રવાડીના રૂટમાં રખાઇ છે. ટ્રેકટર અને ટ્રોલીઓ પણ સજાવાશે.
- શોભાયાત્રાનો રુટ
મહાકાલેશ્વર મંદિરથી નીકળનારી શોભાયાત્રા નવું સ્વામિનારાયણ મંદિર, ટાઉનહોલ, જયુબીલી સર્કલ, સંતોષીમાતાનું મંદિર, વી.ડી. હાઇસ્કુલ, વાણિયાવાડ, એસટી બસ સ્ટેશન, જિલ્લા પંચાયત થઇને હમીરસર કિનારે પુર્ણ થશે.