'ખુશ્બૂ ગુજરાત કી' જોઇ તસ્કરો કચ્છ આવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકચારી ચોરીના ભેદ ઉકેલતી પૂર્વ કચ્છ એલસીબી : પુછતાછમાં થયો 'રસપ્રદ’ ખુલાસો
વાગડ પંથકમાં હાહાકાર મચી ગયેલી પચાસેક જેટલી ચોરીમાંથી માત્ર ૬૭ હજારના મુદામાલ સાથે દાહોદના શખ્સને ભચાઉ રેલવે સ્ટેશનથી પકડયો: પાંચના નામ ખૂલ્યાં


રાજયની મોદી સરકારે બનાવેલી પ્રવાસનની કરોડો રૂપિયાની અમિતાભ બચ્ચનની ખુશ્બૂ ગુજરાત કી એડ ફિલ્મને જોઇને કેટલા પ્રવાસીઓ કચ્છમાં આવ્યા એ તો ભગવાન જાણે, પરંતુ બચ્ચનની આ એડ ફિલ્મ જોઇને દાહોદની એક તસ્કર ગેંગ કચ્છ તરફ આકર્ષિ‌ત થઇ હતી અને પૂર્વ કચ્છના વાગડ પંથકના ગામોમાં પચાસથી વધુ ઘરફોડ ચોરીને અંજામ પણ આપ્યો હતો. પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પણ ડિટેકશન થતું નથી તેવું મેણુ ભાંગીને આ તસ્કરીનો ભેદ ઉકેલ્યો છે અને ૬૭ હજાર જેટલા મુદ્ામાલ સાથે એકને ઝડપી લીધો છે. સાથોસાથ ગેંગના પાંચ સભ્યના નામ પણ ઓકાવી લીધાં છે.

ગત ફ્રેબુઆરી માસમાં સતત ચાર દિવસ દરરોજ રાત્રિના તસ્કરો એક સાથે ૧૨થી ૧પ મકાનો-મંદિરને નિશાન બનાવી પૂર્વ કચ્છ પોલીસની આબરૂ ધૂળ-ધાણી કરી નાખી હતી. આ ચોરીના બનાવોએ પૂર્વ કચ્છ પોલીસ બેડાના અસ્તિત્વ સામે સવાલો ઊભા કરી દીધા હતા. સાથોસાથ રાજયના ગૃહવિભાગ તરફથી પણ સ્થાનિક પોલીસના પગ તળે રેલો આવતાં સ્થાનિક ગુન્હા શોધક શાખાએ રાત-દિવસ એક કરી તપાસ આરંભી હતી.

ગુપ્તરાહે થયેલી તપાસમાં દાહોદની ગેંગનો હાથ હોવાનું સ્પષ્ટ થયું હતું. એલસીબીના સત્તાવાર સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના રેલવે સ્ટેશન નજીક દાહોદની આ તસ્કર ગેંગનો એક સભ્ય આવ્યાની જાણ થતાં બપોરના સમયે સ્ટાફ સાથે રેડ કરી હતી. આ દરમિયાન પીનલ ઉર્ફે વિકાસ ચિરાગ ચામઠા (ઉ.વ.૨૧ ખારોડ, જિલ્લો દાહોદ) રંગેહાથ ઝડપાઇ ગયો હતો, જેના કબજામાંથી જીજે ૨૦ કયુ ૨૦પ૧ નંબરનું ૬૦ હજારની કિંમતનું બાઇક, ૬૩૨૦ની રોકડ, એટીએમ કાર્ડ, બે મોબાઇલ તથા એક નવું સીમકાર્ડ મળી આવતાં પોલીસે કુલ ૬૭,૮૨૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, જેની પૂછતાછ કરતાં તેણે ગાગોદર, જૂના કટારિયા, ખારોઇ, આમરડી, માંડવી તાલુકાના નાગલપર તથા રાજકોટ જિલ્લાના માળિયા-મિંયાણા સહિ‌તના પચાસેક જેટલા સ્થળેથી ૪૦.પ૯ લાખ જેટલી ચોરી કર્યાની સનસનીખેજ કબૂલાત આપી હતી. આ ઉપરાંત આ ચોરીઓમાં તેની સાથે ચિરાગ ચંદ્ર ચામઠા, સંજય ઉર્ફે રૂગવેદ ચામઠા, દિનેશ નરેશ ઉર્ફે નારણ ચામઠા, સુખદેવ નરેન્દ્ર ઉર્ફે નારાયણ ચામઠા તથા અભિમન્યુ કિરૂ ચામઠા પણ સંડોવાયા હોવાની કેફિયત આપતાં પોલીસે પાંચેય ભાગેડુને પણ ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
બોક્સ: છેક દાહોદથી બાઇક લઇ કચ્છ આવતા

દરેક તસ્કર ગેંગની મોડસ ઓપરેન્ડી અલગ-અલગ હોય છે. દાહોદની આ ગેંગ જ્યાં પણ તસ્કરીના બનાવને અંજામ આપવા જાય ત્યાં બાઇક પર જ જતી હતી, જ્યાં હાઇવે પરની હોટલો પર ચા-પાણી પીવાના બહાને હોલ્ટ કરી પ્રખ્યાત મંદિર કયું છે તેની વિગતો મેળવતા હતા અને ત્યાર બાદ મંદિરની સાથોસાથ બંધ ઘરની પણ રેકી કરી એકસાથે બનાવને અંજામ આપતા હતા.

દીકરા-દીકરીને પરણાવવાના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા
ભચાઉ તાલુકાના ખારોઇ ગામેથી એક બાવાજી પરિવારના ઘરે ત્રાટકી તસ્કર ગેંગ સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. વાસ્તવમાં આ દાગીના બાવાજી આધેડે પોતાના દીકરા-દીકરીને પરણાવવા માટે પૈસા એકઠા કરી ખરીદ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

હથિયાર નહીં, ગિલોલ રાખતા હતા
દાહોદની આ ગેંગ જ્યારે ચોરીના બનાવને અંજામ આપવા આવતી હતી, ત્યારે કોઇ હથિયાર સાથે રાખતા ન હતા, પરંતુ ગેંગ આદિવાસી હોવાથી તેની ગિલોલમાં માસ્ટરી હતી, જેથી રાત્રિના સમયે કોઇ કૂતરાં ભસે કે કોઇ વ્યકિત જોઇ જઇને તેને પકડવાનો પ્રયાસ કરે તો પાંચ પૈકીનો એક શખ્સ વોચમાં રહેતો અને ગિલોલથી હુમલો કરતો હતો. તેનો કરેલી ચોરીઓમાં કયાંય ઉપયોગ કર્યો ન હોવાની પકડાયેલા એક આરોપીએ કબૂલાત આપી છે. ગેંગ ચોરી કરવા આવતી હતી, ત્યારે રાત્રિના કૂતરાં ન ભસે તે માટે રોટલી રાખતા હતા.

તસ્કરીને ફેમિલી બિઝનેસ બનાવ્યો
આ ગેંગે તસ્કરીને ફેમિલી બિઝનેસ બનાવી લીધો હતો. પકડાયેલા પીનલ ઉર્ફે વિકાસે જે શખ્સોના નામો આપ્યાં છે તે તમામ તેના કૌટુંબિક ભાઇઓ તથા કાકા થાય છે, જેમાં પીનલ રેકી કરી તેના કૌટુંબિક ભાઇ અને કાકાને ફોનથી જાણ કરતો હતો. ત્યાર બાદ બાકીના બાઇક પર કચ્છ આવવા નીકળતા હતા.

આગળ જુઓ તસવીર સાથે વધુ અહેવાલ....