ભુજની ભાગોળે ખુદ વનખાતા દ્વારા રેતીચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે તંત્ર ટકરાતાં ભીનું સંકેલાવાની આશંકા

કચ્છમાં રેતી ચોરી ઠેર-ઠેર થતી હોય છે, ખાણ-ખનિજ વિભાગ પણ આવી ચોરી પકડી પાડે છે, પણ ખુદ જંગલખાતું રેતી ચોરી કરતું હોય એવી ઘટના સામે આવતાં ખળભળાટ ફેલાયો છે. ખાણ-ખનિજ વિભાગે ભુજની ભાગળે એક ટ્રક પકડતાં આ મામલો બહાર આવ્યો છે. જોકે, સામસામે બન્ને સરકારી તંત્ર હોવાથી આ પ્રકરણમાં ભીનું સંકેલાઈ જાય એવી પણ આશંકા સામે આવી છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભુજની ભાગોળે એરપોર્ટ પાછળ ખારીનદીના વિસ્તારમાં ગેરકાયદે રીતે રેતી ભરીને જતી ટ્રકને ખાણ-ખનિજ વિભાગ દ્વારા પકડી લેવામાં આવી હતી.

કોલસાની ગેરકાનૂની પ્રવૃત્તિથી વગોવાયેલું વનખાતું આ વખતે કાયદાના સાણસામાં ફસાઈ જાય એવી ભીતિ ઊભી થતાં સંબંધિત વન અધિકારીઓ અને કર્મચારીઓ પણ દોડધામમાં પડી ગયા હતા. એક અધિકારી તો ટ્રકને કોઇ કેસ કર્યા વિના જ મુક્ત કરી દેવાની માગણી સાથે ખાણ-ખનિજ વિભાગની કચેરીએ બેસી ગયા હતા.

જિલ્લામાં રોયલ્ટી ભર્યા વિના રેતીચોરી અનેક સ્થળે થઈ રહી છે, પણ આ વખતે ભુજની ભાગોળે ચાલતી રેતીચોરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું નામ સામે આવતાં મામલો ગંભીર બની ગયો છે. આ પ્રકરણમાં સત્તાવાર રીતે કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી, એટલે સામસામે આવી ગયેલા બે સરકારી વિભાગ વચ્ચે પતાવટ કરી દેવામાં આવે એવી પણ સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે.

અમે તપાસ કરાવી રહ્યા છીએ : ભૂસ્તરશાસ્ત્રી

ભૂસ્તરશાસ્ત્રી એ.એલ. ઉનિયાલે જણાવ્યું કે, ગત રવિવારે ખાણ-ખનિજ વિભાગે ભુજના ખારીનદી વિસ્તારમાં વન વિભાગને સાંકળતી રેતી ભરેલી ટ્રક પકડી હતી, જેની તપાસ હાજી ચાલી રહી છે.

વનીકરણની કામગીરી માટે રેતી ઉપાડી : આરએફઓ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.કે. ખટાણાએ કહ્યું કે, વનીકરણની કામગીરી માટે રેતી લઈ જવાતી હતી. જોકે, ખનિજચોરીનો વનવિભાગ સામે કોઇ કેસ થયો નથી. શું લીઝ વિના વનવિભાગ રેતી ઉપાડી શકે? એવું પૂછતાં આરએફઓએ કહ્યું કે, અત્યાર સુધી તો જંગલખાતાના અધિકારીઓ આ રીતે રેતી ઉપાડતા આવ્યા છે.