ભુજમાં રિક્ષાચાલકે જી.કે.ના કર્મીની પત્ની સાથે ગેરવર્તન કરીને માર્યો માર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હુમલાની ચાર ઘટનામાં ચાર ઘવાયા, અંજારમાં મકાન મુદ્દે મહિ‌લાને માર પડયો
- દુર્ગાપુર પાર રસ્તા પર બાઇકચાલકને ધારિયું ઝીંકાયું

ભુજ, અંજાર, માધાપર અને માંડવીના દુર્ગાપુર ચાર રસ્તા પર હુમલાની ચાર જુદી-જુદી ઘટનાઓમાં ચાર લોકોને ઇજા થઈ હતી. આ બનાવો વિશે ભુજ જનરલ હોસ્પિટલની ચોકીના સૂત્રોએ જણાવ્યું કે, હોસ્પિટલના બીજા નંબરના ગેટ પાસે મંગળવારે સાંજે નરેશ ચમનભાઈ ઝાલા(૨૭)(રહે. આરટીઓ રિલો.) તેની પત્ની સાથે જતો હતો, ત્યારે અજય કાળુ સોલંકીએ તેને માર માર્યો હતો. રિક્ષા ચલાવતા અજયે તેની પત્નીને જેમ-તેમ બોલવાનું શરૂ કરતાં તેને ઠપકો આપવા જતાં એ ઉશ્કેરાઈ ગયો હતો, તેણે નરેશને હાથમાં પંચ મારીને ઇજા પહોંચાડી હતી. નરેશ જી.કે.માં નોકરી કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જ્યારે અંજારમાં શેખટીંબો વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય અફસાના મામદ હુસેન સુરંગીને ઇબ્રાહીમ લાલમામદ સુરંગી, આદમ લાલમામદ, ઝરીના અને સલુબેનને માર માર્યો હતો. મકાનમાં રહેવા મુદ્દે બોલાચાલી થતાં મહિ‌લાને પેટમાં લાતો મારવામાં આવી હતી. જ્યારે દુર્ગાપુર ચાર રસ્તા પર મંગળવારે સવારે ઇમરાન ઇસ્માઈલ શેખ(૧૮)ને અબ્બાસના છોકરાએ ધારિયાથી માર માર્યો હતો. ઇમરાન બાઇક હંકારીને મજૂરી કામે જતો હતો, ત્યારે આ બનાવ બન્યો હતો.

માધાપરમાં પુત્રવધૂએ સસરાને લાકડી મારી

ભુજના માધાપરના જૂનાવાસમાં રહેતા હિંમતભાઈ લાલજીભાઈ પંડયા(૮૩)ને તેના છોકરાની પત્નીએ લાકડીથી માર માર્યો હતો. મંગળવારે બપોરે બનેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે દાખલ કરાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.