ભુજ: દબાણ દૂર, ચોકી શરૂ : પોલીસને મળ્યું તૈયાર ભાણુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યુનિવર્સિટી પોલીસ ચોકી તથા ઇનસેટ ઉદ્દઘાટન કરતા અધિકારીઓ )
કાયદેસરની પ્રક્રિયા પહેલાં દબાણકારે કરેલા બાંધકામ સાથે થઈ ગઈ જમીનની ફાળવણી !
ભુજ: ભુજની ભાગોળે યુનિવર્સિટીની સામે તંત્રે દબાણ દૂર કરી દીધા બાદ ત્યાં બીજા જ દિવસે પોલીસ ચોકી શરૂ કરી દેવામાં આવી છે, એ તો ઠીક પણ આ સમગ્ર ઘટનામાં પોલીસને જાણ તૈયાર ભાણુ મળી ગયું હોય એવું ચિત્ર સામે આવ્યું છે. દબાણકારે કરેલું બાંધકામ પણ પોલીસને ચોકી તરીકે મળી જતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. વળી, તંત્રે આ કેસમાં કાયદેસરની પ્રક્રિયા હજી પૂરી નથી કરી ત્યાં જ જમીન ફાળવી દીધી છે. યુનિવર્સિટી સામે જ યુનિવર્સિટી પોલીસ ચોકીનો સોમવારે વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. મહિલા ડીવાયએસપી તેજલ પટેલના હસ્તે ઉદઘાટન થયુંલ ત્યારે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. યુનિવર્સિટી સામેની આ જગ્યાએ હજી શુક્રવાર અને રવિવારે દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ હતી. એવામાં તો પોલીસ ચોકીનું બોર્ડ પણ લાગી ગયું અને પોલીસને ચોકી માટે દબાણકારે બનાવેલું બિલ્ડિંગ નિ:શુલ્ક મળી ગયું !
કયા એરિયાનો સમાવેશ
આ ચોકી તળે મુન્દ્રા રિલોકેશન, વ્હોરા કોલોની, આસપાસનો વિસ્તાર સમાવાયો છે.
પ્રોસેસ ચાલુ છે: નાયબ કલેક્ટર
પોલીસ ચોકી માટે યુનિવર્સિટી માટે જે જગ્યા અપાઈ છે, એને સત્તાવાર ફાળવણી માટેની પ્રોસેસ ચાલી રહી છે. બાંધકામ વિશે કંઇ ખબર નથી.> આર.એસ. દેસાઇ, નાયબ કલેક્ટર
બાંધકામ દબાણકારે કરેલું એ જ છે : PI
ચોકી માટેનું બાંધકામ એ જ છે જે દબાણકારે બનાવ્યું હતું. સરકારી જમીન પર દબાણ હોઈ એનો સરકારે કબજો લઈ લીધો છે અને સરકારી કામ માટે જ એ જગ્યા અને બાંધકામનો ઉપયોગ થઈ રહ્યો છે. . > એ.એન.વાળા, પીઆઇ એ ડિવિઝન