ભુજ મામલતદાર કચેરીમાં રાશનકાર્ડની કામગીરીઓમાં વધુ ‘ફી’ લેવાનું કૌભાંડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ ફી લઇ નફ્ફટ ભ્રષ્ટાચારીઓ તેની પહોંચ પણ આપતા હોવાનો આક્ષેપ ભુજના આરટીઆઇ એક્ટિવિસ્ટે સતત ત્રણ વર્ષથી કડાકૂટ બાદ આધાર પૂરાવા એકત્ર કરી સરકારી નિયમો મુજબ ફીની વિગતો માગ્યા બાદ કૌભાંડનો પર્દાફાશ થયો ભુજ મામલતદાર કચેરીમાં કેટલાય વર્ષોથી એક વ્યવસ્થિત નેટવર્ક દ્વારા ચાલતા કૌભાંડનો પર્દાફાશ ભુજના એક જાગૃત નાગરિકની મદદથી થયો છે. રાશનકાર્ડ અને તેને સંબંધિત અન્ય કામગીરીઓ માટે સરકારે નિયત કરેલી ફીના બદલે અધિકારીઓ તથા કર્મચારીઓની મિલભિગતથી વર્ષોથી નિયત ફી કરતા ચારથી પાંચ ગણી વધુ ફી વસૂલી પોતાના ખિસ્સાં ભરવામાં આવી રહયાં હતાં. તે અંગે માહિતી અધિકાર હેઠળ માહિતી માગ્યા સાથે પોતાની રીતે આના પુરાવા એકત્ર કરી ત્રણ વર્ષની કડાકૂટ બાદ ભુજના આરટીઆઇ એક્ટિવિસ્ટને ભુજ મામલતદાર કચેરીમાં ચાલતા આ ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવામાં સફળતા મળી હતી. વધારાની ફી ખુલ્લેઆમ વસુલી નફ્ફટ ભ્રષ્ટાચારીઓ તેની પહોંચ પણ બનાવી લોકોને વર્ષોથી ઉલ્લુ બનાવી રહયા હતા. તેનો ભાંડો સરકારી નિયત કરેલી ફીની વિગતો આરટીઆઇ દ્વારા બહાર આવ્યા બાદ ફૂટ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી બી.પી.એલ, એ.પી.એલ, એ.પી.એલ-૨ અંત્યોદય વર્ગમાં આવતા લોકો પાસેથી કાર્ડમાં નામ બદલવા, કાર્ડ નવો બનાવવા તેમાં સુધારા-વધારા કરવા, ડુપ્લિકેટ બનાવવા વગેરે અંગે ૨ ગણી, ૩ ગણી ફી ઉઘરાવાઇ રહી છે. જેની નફ્ફટ અધિકારીઓ-કર્મચારીઓ પહોંચ પણ પાછી આપે છે. સરકારની નિયત કરેલી ફીથી અજાણ ગરીબ લોકો વર્ષોથી આ લૂંટનો ભોગ બની રહયા છે. ભુજના મંગલભાઇ રબારીએ છેલ્લા ત્રણ વર્ષથી હાર્યા વિના લડત આપી અને માહિતી મેળવવા છેક ગાંધીનગર ધક્કાઓ બાદ આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચાર કરનારાઓ લોકોને જે પહોંચ આપતા હતા તે પણ તેમણે પુરાવારૂપ એકત્ર કરી ગાંધીનગર ખાતે રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મે સમગ્ર કચ્છની મામલતદાર કચેરીઓ આ અંગે માહિતી માગી હતી કે, કેટલા રૂપિયા રાશનકાર્ડને સંબંધિત વિવિધ કામગીરીના લ્યો છે અને મેં ખુદ ત્યાં આવતા લોકો પાસેથી તેમને કામના કરેલા ચૂકવણાની પહોંચ એકત્ર કરી હતી, જેના પરથી અન્ય તાલુકામાં આવો ભ્રષ્ટાચાર જણાયો ન હતો કે, સરકારી ફી કરતાં પોતાની ઘરના નિયમો બનાવી ફી વસૂલાતી હોય અને તેમાં પણ પાછી પહોંચ પણ આપવામાં આવતી હોય, જ્યારે ભુજની એક માત્ર મામલતદાર કચેરીમાં આનું કૌભાંડ હાલતું હોવાનું સાબિત થયું હતું કે, જેમાં સરકારી નિયમોને ઘોળીને પી જઇ ભ્રષ્ટાચારીઓ સરમુખત્યારશાહી ચલાવી રહયા હતા. મેં નિયત ફી કેટલી નક્કી કરાઇ છે તે વિગત માગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે આ મુદ્દે હું છેક સુધી રજૂઆત કરીશ અને જે મામલતદારના કાર્યકાળથી આ ગોરખધંધા શરૂ થયા છે તેના પર અને અન્યો પર કડક કાર્યવાહી કરાય તે માટે લડત આપીશ.આ મુદ્દે મામલતદારનો સંપર્ક થઇ શક્યો નહોતો. રૂ. ૫,૧૦, ૨૦ના બદલે કરાતી હતી ૩ કે ૪ ગણી લૂંટ આ અંગે મળેલી માહિતી મુજબ ભુજ મામલતદાર કાર્ડ અધિકૃત કરવાના નિયમ મુજબ રૂ. ૫ના રૂ. ૨૦ કે રૂ. ૨૫ લેવામાં આવતા તો, ડુપ્લિકેટ કાર્ડના રૂ. ૨૦ના બદલે રૂ. ૩૫, અલગ કાર્ડ કરાવવા રૂ. ૧૦ના બદલે સીધા ૫ ગણા એટલે રૂ. ૫૫ નામ દાખલ કરવાના રૂ. ૫ના બદલે રૂ. ૪૦ ઉઘરાવાતા હતા. કોર્ટમાં કેસ દાખલ કરવાની ચીમકી જો સરકાર બધા પુરાવા છતાં કોઇ પગલાં નહીં લે તો ટૂંક સમયમાં કોર્ટમાં કેસ દાખલ કરીશ તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી. દર બુધવારે ભુજ મામલતદારમાં ૫૦થી ૧૦૦ અરજી રાશનકાર્ડ મુદ્દે આવતી હોય છે દર બુધવાર રાશનકાર્ડ માટેની કામગીરી માટે નિયત કરાયો છે ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દિવસે ૫૦થી ૧૦૦ જેટલી વિવિધ અરજી આવતી હોય છે. આમ દર બુધવારે દરેક કામ પર નિયત ફી કરતા ૩થી ૪ ગણી ફી વસૂલી હજારો રૂપિયા ખિસ્સામાં અધિકારીઓ તથા કર્મચારીઓ ભરી લે છે. માહિતી માગનારાને લાંચ આપવાની કોશિશ માહિતી અધિકારી હેઠળ વિગત માગતાં ભ્રષ્ટાચારના ભોપાળાં ખુલ્લી જતાં આ ભ્રષ્ટાચારમાં સંકળાયેલાઓ દ્વારા મારા પર ખુબ જ દબાણ તેમજ લાંચ આપવાનો પણ ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મંગલભાઇ રબારીએ જણાવ્યું હતું.