તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ પૂર્વે મેઘકૃપાથી ચહેરા ખીલ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાજવીજ કે તોફાન વિના ધીમી છતાં મકકમ ઇનિંગથી લોકો ખુશ
- રાપરમાં દોઢ, માંડવીમાં સવા, ભુજમાં પોણો, અંજાર તેમજ ખાવડા પંથકમાં અડધો
અન્યત્ર ભારેથી હળવાં ઝાપટાં

કચ્છમાં ગુરુવારે મેઘરાજાએ રગાવ્યા બાદ શુક્રવારે મધ્યમ પ્રમાણમાં મહેર કરી હતી. આમ તો ગુરુવારની મોડી રાત્રિથી જ ધીમીધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને પાટનગર ભુજ સહિ‌ત શાંત રીતે પાણી વરસ્યું હતું. રાપરમાં સૌથી વધારે ૪૦ મિ.મી.માંડવીમાં સૌથી વધુ ૨૯ મિ.મી., ભુજમાં ર૦ મિ.મી. તેમજ અંજારમાં ૧૩ મિ.મી. વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતું. વાગડમાં પણ બપોર બાદ વરસાદ વરસવાનો શરૂ થઇ ગયો હતો, તો રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘાએ પુન:પધરામણી કરી હતી.

અષાઢી બીજને આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી છે, ત્યારે જાણે શુકન સાચવવા વરસાદ આવ્યો હોય તેમ શુક્રવારના વાદળછાયાં વાતાવરણમાં વરસાદ વરસ્યો હતો. આહિ‌રપટ્ટી પર રિઝેલા મેઘરાજાએ વરસવાનું ચાલુ રાખ્યું હતું, તો દિવસ દરમિયાન ઉકળાટભર્યાં વાતાવરણ વચ્ચે મધ્યાહ્ન બાદ ૨૦ મિનિટ માટે ધોધમાર વરસી પડતાં અડધો ઇંચેક પાણી પડયું હતું.

ગાંધીધામ-આદિપુરમાં ગુરુવાર સાંજથી શરૂ થયેલો વરસાદ શુક્રવારના સવાર સુધી ધીમીધારે વરસ્યે રાખતાં પ મિમી પાણી પડી ગયુ હતું, પરંતું આખો દિવસ માત્ર એક-બે વાર છાંટા સિવાય નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો.

બન્ની અને પચ્છમના ઘણા ગામોમાં ગઇ રાતથી ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો. જોકે, સવારે બંધ થતાં લોકોની આશા ઠગારી નીવડી હતી. ગઇ રાતના અડધો ઇંચ પાણી પડયાનું અનુમાન છે.
અંજારમાં રાત્રિ દરમિયાન ૧૩ એમએમ વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૧૪૩ એમએમ નોંધાયો હતો. ગુરુવારે રાત્રિના ૯ વાગ્યાથી ધીમીધારે પડેલા વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો હતો. માંડવીમાં ગુરુવાર રાતથી વાદળ ઘેરાઇ જતા કલાઉડ બ્લેક આઉટ જેવો માહોલ સર્જાયો હતો.

મોડી રાત્રે વરસાદના ઝાપટાં બાદ બપોરે ૧૨ વાગ્યે મેઘરાજાની પધરામણી થઇ હતી. એક કલાક જેટલા ચાલેલા વરસાદને લીધે શાળાઓના વિદ્યાર્થીઓને રજા આપી દેવાઇ હતી. ભચાઉમાં આખો દિવસ ધીમીધારે
વરસાદ વરસ્યો હતો. રાત્રે ઝાપટાં સ્વરૂપે મેઘરાજાએ કૃપા વરસાવતાં ઝાપટાંથી એક ઇંચ જેટલી મહેર થઇ હતી. રાપરમાં આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ રાત્રે ધોધમાર આગમન થતાં ગણતરીના કલાકોમાં દોઢ ઇંચ પાણી પડી ગયું હતું અને લખાય છે, ત્યારે ધીમીધારે વર્ષા ચાલુ હતી.

લખપત તાલુકામાં ગુરુવારે મોડી રાતથી શુક્રવારે બપોરે સુધી ધીમીધારે વરસેલા વરસાદને પગલે ખેડૂતો તેમજ માલધારી વર્ગમાં ખુશીની લાગણી છવાઇ હતી. તાલુકામાં એકથી દોઢ વરસાદ વરસતાં શેરીઓમાંથી પાણી વહી નીકળ્યાં હતાં. દયાપર, ઘડુલી, મા.મઢ, વિરાણી, વર્માનગર, પાનધ્રો, નરા, બરંદા, જાડવા, કોરિયાણી, કપુરાશી, લખપત, ગુનેરી, સિયોત, છેર, સુભાષપર, ભાડરા, સારણ, દોલતપર, પીપર, ના.સરોવર, મેઘપર સહિ‌તના તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. અછતગ્રસ્ત જાહેર થયેલા તાલુકામાં ગુરુવારે મોડી રાત્રિના શરૂ થયેલા ધીમીધારે વરસાદને પગલે શુક્રવારના સવારના મોડે સુધી વરસાદ વરસતાં ખેડૂતો, માલધારીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. ધીમીધારે વરસેલા વરસાદને પગલે જમીન માટે ફાયદારૂપ ગણાવતા વરસાદને પગલે આગામી પંદરેક દિવસો બાદ ઘાસ ફૂટી નીકળશે તેવું માલધારીઓએ જણાવીને પશુઓ માટે ખૂબ જ ઉપયોગી વરસાદ ગણાવી રહ્યા છે, તો તાલુકામાં અમુક વિસ્તારમાં સારો વરસાદ પડતાં વાવણીલાયક વરસાદ હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. તાલુકા મથક દયાપર ખાતે એક ઇંચ જેટલો વરસાદ નોંધાતાં મોસમનો કુલ વરસાદ ૪૯ એમએમ જેટલો થયો છે.

સામાન્ય વર્ષામાં પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી

પ્રથમ વરસાદે ભુજ પાલિકાની કામગીરીની જાણે પોલ ખોલી નાખી હોય તેમ બસ સ્ટેશન, માતૃછાયા, છઠ્ઠીબારી વિસ્તાર પોણો ઇંચ વરસાદથી જળબંબાકાર થયા હતા. એટલું નહીં, પ્રમુખ સ્વામીનગરના મુખ્ય માર્ગમાં આવેલા ગુણાતીત ચોકમાં ગટર ઉભરાતાં વરસાદી નીર સાથે આ ગંદું પાણી ભળ્યું હતું, જેના લીધે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ ગઇ હતી.

ગઢશીશામાં કેરીના પાકને નુકસાન

ગઢશીશા વિસ્તારમાં બપોરે ૧ વાગ્યાના સુમારે પ્રથમ ઝાપટારૂપી અને ત્યાર બાદ જોરદાર વરસાદ થતાં લગભગ અડધા કલાકમાં અંદાજિત પોણો ઇંચ વરસાદ થયો હતો. વરસાદથી કેરીના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તેમજ ૧પ દિવસ અગાઉ પડેલા દોઢ ઇંચ વરસાદથી જે ખેડૂતોએ કપીત જમીનમાં વાવણી કરી છે. એ ખેડૂતો માટે આજનો વરસાદ કાચા સોના જેવા સાબિત થયો હતો.

ભુજમાં છવાયો આનંદ
ભુજમાં બપોરે દોઢથી અઢી વાગ્યા સુધી ઝાપટું પડયું હતું. શહેરીજનો ન્હાવા નીકળી પડયા હતા. આ સમયે સ્કૂલોમાં રજા પડી ગઇ હોવાથી ઘેર પહોંચેલાં બાળકોએ ન્હાવાનો આનંદ ભરપૂર લૂંટયો હતો, તો ઓફિસથી લંચ માટે આવેલા કર્મચારીઓએ પણ સહપરિવાર ભીંજાવાનો આનંદ માણ્યો હતો.