લોકોને અગનવર્ષાએ દજાવ્યાં, કમોસમી વરસાદે વર્ષાથી બુજાવ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભુજમાં અગનવર્ષા, ગઢશીશામાં કમોસમી વર્ષા, શેરડીમાં લાઇટ ગુલ : કેરી-ઘઉંના પાકને નુકસાન
- જિલ્લામથક ફેરવાયું અગનગોળામાં, ૪૪.૪ ડિગ્રીથી રાજ્યમાં બીજા નંબરનું ગરમ શહેર
- કંડલા એરપોર્ટમાં ૪૩.૩, કંડલામાં ૪૧.૭, નલિયામાં ૩૯.૪ ડિગ્રી તાપ
- માંડવીના શેરડી, હમલા-મંજલ, વાંઢ, ગઢશીશા તથા નખત્રાણાના વડવા કાંયા, વડવા ભોપા, દુજાપર સહિ‌તના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ

ગઇકાલે છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડબ્રેક ગરમ દિવસ નોંધાયા બાદ આજે સૂર્યનારાયણની દાદાગીરી વધતાં જિલ્લામથક ભુજમાં ૪૪.૪ ડિગ્રીએ પારો પહોંચતાં શહેરવાસીઓ દાઝી ગયા હતા, તો કંડલા એરપોર્ટમાં ૪૧.૭ તથા નલિયામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ડીસા-ઇડર ૪૪.૬ ડિગ્રી સંયુક્ત સૌથી ગરમ મથક બની રહ્યાં હતાં. બીજી બાજુ બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થતાં અચાનક જ વરૂણ દેવે મહિ‌નામાં બીજી વાર પોતાની હાજરી નોંધાવતાં માંડવી તથા નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ઝાપટાં પડયાં હતાં. આ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખાસ કરીને કેરી તથા ઘઉંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

રવિવારે રવિનો પ્રકોપ વધતાં પાટનગર ભુજ અગનભઠ્ઠીમાં ફેરવાયા બાદ આજે વધુ એક ડિગ્રી પારો ઉંચકાતાં પાટનગરમાં સૂર્ય વધુ ગરમ થતાં ૪૪.૪ ડિગ્રીએ પારો પહોંચી ગયો હતો. પરિણામે જનજીવન બળી ઉઠયું હતું. બપોરના સમયે રીતસર આભમાંથી આગ વરસી રહી હતી. અસહ્ય તાપથી શહેરવાસીઓ ત્રસ્ત થયા હતા. પંખા તો ઠીક એસી પણ આ અંગારા સામે લાચાર બની ગયાં હતાં. બપોર બાદ વાદળછાયું વાતાવરણ થયું હતું, પણ કોઇ જ રાહત વર્તાઇ નહોતી. અહીંનું લઘુત્તમ તાપમાન ૨૭.પ ડિગ્રી રહેતાં સાંજ બાદ પણ અકળામણમાં કોઇ ફેરફાર થયો નહોતો. પરિણામે, આખો દિવસ બળબળતો પસાર થયો હતો. રણકાંધી વિસ્તાર પણ ગરમ બની રહ્યો હતો.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...