ચીલઝડપનો પ્રયાસ કરનારા આરોપીને લોકોએ પકડી પાડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહિ‌લાએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું : પકડાયેલો શખ્સ પીધેલો નિકળ્યો
ભારતનગરમાં મંગળવારે એક મહિ‌લાના ગળાંમાંથી એક શખ્સે ચેઇનની ચીલઝડપનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ મહિ‌લાએ બૂમાબૂમ કરતાં લોકોએ તેને પકડી પાડયો હતો અને પોલીસને હવાલે કર્યો હતો, પરંતુ ખરે ટાંણે જ મહિ‌લાએ ચેઇન ખોટી હોવાથી અને કશું ગયું ન હોવાથી ફરિયાદ નોંધાવવાનું ટાળતાં એક સમયે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. બાદમાં પીધેલો મળતાં પોલીસે તેની અટકાયત કરી હતી.
એ ડિવિઝનના ઇન્સ્પેકટર ભરતસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ભારતનગરમાં રહેતાં મહિ‌લા ઘરેથી બહાર નીકળ્યાં હતાં અને નજીકમાં જઇ રહ્યાં હતાં, ત્યારે રોનક પ્રવીણ ઠક્કર નામનો શખ્સ આવી પહોંચ્યો હતો અને મહિ‌લાના ગળાંમાંથી ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે મહિ‌લાએ બૂમાબૂમ કરી મૂકતાં લોકો ભેગા થઇ ગયા હતા અને આ શખ્સને પકડી પાડયો હતો. લોકોએ થોડો મેથીપાક ચખાડી પોલીસને જાણ કરતાં કાફલો પણ દોડી ગયો હતો.
જ્યાંથી રોનકનો કબજો લઇ પોલીસ મથકે લઇ આવી હતી. મહિ‌લાએ ખોટી ચેઇન હોવાથી ફરિયાદ નોંધાવવાની ના પાડી દેતાં પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી, પરંતુ તપાસ કરતાં પીધેલો હોવાનું ઉપરાંત અગાઉ ગાંજા તેમજ મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પકડાઇ ચૂકયો હોવાથી અટકાયતી પગલાં લઇ લોક-અપમાં મૂકી દીધો હતો. જોકે, હજુ સુધી કોઇ વિધિવત્ ફરિયાદ નોંધાઇ નથી