રક્તચંદન ચોરી : લાલચંદન PSIના ઘરે ઉતર્યું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના ચકચારી કેસમાં નવો ઘટસ્ફોટ
ભાવનગર પહોંચાડવામાં વપરાયેલા ડમ્પરને પોલીસે કબજે લીધું
ભુજ, ભચાઉ: ભચાઉમાં લાલચંદન ચોરીના ચકચારી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર નાગજી રબારીની ધરપકડ બાદ આ પ્રકરણમાં વધુ એક ચોંકાવનારી વાત એવી પણ આવી છે કે, રક્તચંદન કન્ટેઇનરમાંથી ચોરાયા બાદ તમામ જથ્થો ગાંધીધામના પીએસઆઇના વતન ભાવનગરમાં તેના ઘરે ઉતર્યો હતો. આ પ્રકારે નાગજી અને પીએસઆઇ વચ્ચેની સાંઠગાંઠ પણ સ્પષ્ટ થઈ છે, તો પોલીસે જથ્થો લઈ જવા માટે વાપરાયેલા ડમ્પરને પણ કબજે લીધું છે. ભચાઉમાં છ માસ પહેલાં ડીવાયએસપીની કચેરી પાસે રખાયેલા કન્ટેઇનરમાંથી લાલચંદનનો જથ્થો ચોરાવીને પૂર્વ નગરપતિના પુત્ર નાગજી હરભમ રબારીએ તેના ડમ્પર મારફતે આ મુદ્દામાલ પીએસઆઇ જી.આર. ચૌહાણના ભાવનગરમાં આવેલા ઘરે ઉતરાવ્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે. બીજીતરફ નાગજી રબારીની ધરપકડ બાદ પોલીસે તેના ડમ્પરને કબજે લીધું છે અને ટ્રેક્ટરને પણ નજીકના સમયમાં કબજે કરવામાં આવશે.
ભાવનગરના વતની પીએસઆઇ ચૌહાણની કંડલા મરીન પોલીસથી હજી પખવાડિયા પહેલાં જ ગાંધીધામ એમઓબી(મોડસ ઓપરેન્ડી બ્રાન્ચ)માં ટ્રાન્સફર થઈ હતી. ભચાઉ લાલચંદન ચોરીના કેસમાં ડીવાયએસપીના તત્કાલીન ગાર્ડ એવા પોલીસ કર્મચારીની જ્યારે ધરપકડ થઈ હતી, એ દિવસોમાં ચૌહાણ વગર પરમિશને સિક લીવ પર જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ ચૌહાણના પિતા રતનાભાઈ રબારી ગોહિલવાડના કોંગી અગ્રણી તરીકે નામના ધરાવે છે. સુરેન્દ્રનગરથી સ્ટાર્ચના નામે લાલચંદન ભરીને મુન્દ્રા પોર્ટ પર કન્ટેઇનર જતું હતું, ત્યારે ભચાઉ પાસે ડીવાયએસપી ચિરાગ પટેલે શંકાસ્પદ રીતે કન્ટેઇનર પકડીને પોતાની કચેરી પાસે રખાવ્યું હતું, સીલ તોડીને લાલચંદન ચોરવામાં આવ્યું હતું. ચોરીની તપાસ દરમિયાન દાણચોરીનું પ્રકરણ પણ ખૂલ્યું છે. રૂા.4.27 કરોડનું રક્તચંદન કબજે કર્યું છે.
નાગજીના સેશન્સ કોર્ટમાં રિમાન્ડ મગાયા
લાલચંદનની ચકચારી ચોરીમાં અત્યાર સુધી પકડાયેલા એક પણ આરોપીના રિમાન્ડ મંજૂર થયા નથી. મુખ્ય સૂત્રધાર નાગજી રબારીના પણ રિમાન્ડની માગણી મંજૂર થઈ નહોતી. એ શખ્સ પાસે સમગ્ર પ્રકરણની વધુ વિગતો મળી શકે એમ હોવાનું પોલીસને લાગી રહ્યું છે, એ માટે પોલીસે તેના 10 દિવસના રિમાન્ડની માગણી સાથે ગાંધીધામ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
DySP હાજર થવાની હિંમત કરશે?
રક્તચંદન તસ્કરીમાં સંડોવણી ખૂલી ત્યારથી ડીવાયએસપી ચિરાગ પટેલ ટ્રેનિંગમાં છે. એક-બે દિવસમાં તેઓ હાજર થશે તો આ કેસમાં અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ સૂત્રો તેના હાજર થવા વિશે શંકા સેવી રહ્યા છે.