પીએસઆઇ આપઘાત કેસ : ભુજમાં ગમતું ન હોવાથી પગલું ભર્યાંનું ખૂલ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટમાં રહેતા પરિવારજનોએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યાં
- પોસ્ટિંગ પછી ગમતું ન હોવાની કુટુંબી સાથે અવાર-નવાર વાત કરી હતી

ભુજ તાલુકા પોલીસ સ્ટેશનની અગાશી પર જઈને પોતાને લમણે ગોળી ધરબીને આત્મહત્યા કરીને લેનારા પીએસઆઇના પરિવારજનોનું નિવેદન લેવાતાં હતભાગીને ભુજમાં બદલી થયા બાદ ગમતું ન હોવાથી આ પગલું ભર્યાંની હકીકત સામે આવી હતી. જોકે, પોલીસે આ વાતને પ્રાથમિક તપાસમાં નીકળેલી હકીકત ગણાવી કોલ ડિટેઈલ આવ્યા બાદ તેના પરથી તપાસ આગળ વધશે એવું જાહેર કરવામાં આવ્યું હતું.

ભુજ તાલુકા પોલીસ સ્ટેશનની છત પર જઈને સબ ઇન્સ્પેક્ટર એચ.એ. ગોરીએ સર્વિ‌સ રિવોલ્વરથી ફાયરિંગ કરી ગત મંગળવારે સવારે આત્મહત્યા કરી હતી. આ બનાવ વિશે તપાસ ચલાવતા ભુજ સિટી પીઆઇ એચ.બી. જમોડે કહ્યું કે, ગુરુવારે રાજકોટમાં રહેતા હતભાગી પીએસઆઇના કુટુંબીજનોના નિવેદન લીધાં હતાં.

રાજકોટના મોચીનગર વિસ્તારમાં રહેતા તેના માતા-પિતા, પત્ની અને ભાઈના બયાન લેવામાં આવ્યાં હતાં, જેમાં આ બનાવ સંબંધી એવી વાત જાણવા મળી કે, હનીફભાઈ ગોરી સ્વભાવે અત્યંત લાગણીશીલ હતા. તેમને પીએસઆઇ તરીકે ભુજમાં મૂકવામાં આવ્યા બાદ તેમને અહીં ગમતું નહોતુ.

એ વિશે તેમણે પરિવારજનોને પણ અવાર-નવાર વાત કરી હતી. એટલે અત્યાર સુધીની તપાસમાં આ આત્મહત્યા પાછળનું આ એક કારણ સામે આવ્યું છે.

૩૭ દિવસ : નવ રજા : છ તપાસ

ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ હનીફ ગોરીએ કોન્સ્ટેબલ તરીકે રાજકોટમાં ૧૭ વર્ષ નોકરી કરી હતી. તેમણે પીએસઆઇ તરીકે ડાયરેક્ટ એક્ઝામ ક્લિયર કરી હતી અને જૂનાગઢમાં તાલીમ મેળવી હતી. ટ્રેઇનિંગ પૂરી થયા બાદ તેમને સીધું પ‌શ્ચિ‌મ કચ્છ પોલીસમાં પોસ્ટિંગ મળ્યું અને ભુજ તાલુકા પોલીસમાં તા.૨પ મેથી નિમણૂક આપવામાં આવી હતી. અહીં તેમણે નોકરીના ૩૭ દિવસમાંથી નવ દિવસ રજા પર રહ્યા અને ૨૭ દિવસ ડયૂટી અદા કરી હતી, જેમાં કુલ મળીને તેમને છ ગુનાની તપાસ સોંપવામાં આવી હતી.

ફોજદાર બન્યા ત્યારે ૩૦ હજારની મીઠાઈ વેચી હતી

રાજકોટમાં પરિવાર સાથે રહેતા હતભાગી પીએસઆઇ ગોરીએ કોન્સ્ટેબલથી સીધા પીએસઆઇ બન્યા, ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો નહોતો. તેમણે સગા-સંબંધી અને મિત્રોમાં આ આનંદ શેર કરવા ૩૦ હજાર રૂપિયાની મીઠાઈ ખરીદીને મોં મીઠાં કરાવ્યાં હતાં. જોકે, તેમની અકાળે ચીરવિદાયથી આ બધી ક્ષણો હવે સ્મરણમાં રહી ગઈ છે.

તપાસ ચાલુ : ૩૦ દિ ’ની કોલ ડિટેઇલ આવશે

આત્મહત્યાના આ ચકચારી બનાવની તપાસ હજી ચાલુ છે. પોલીસે કુલ ૩૦ દિવસની કોલ ડિટેઇલ માગી છે, જેના આધારે તપાસ હજી આગળ વધશે અને પીએસઆઇ ગોરીને કોણે કેટલી વાર કોલ કર્યા એની હકીકત સામે આવશે.