મિહિ‌રની તપાસ શરૂ કરનારા PSI રજા પર ઉતરી ગયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નજીકના સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો પોલીસનો દાવો

ભુજ સિટી પોલીસમાં ભાજપના નેતા અમીત શાહના ભાણેજ તરીકે ઓળખ આપીને રૂા.૧૪.પ૦ લાખની ચોરી વિશે ફરિયાદ નોંધાવી ગયેલા મિહિ‌ર શાહ અંગે પોલીસે તપાસને વેગવાન બનાવી છે અને આ ચકચારી પ્રકરણ વિશે નજીકના સમયમાં જ હકીકત સામે લાવી દેવાનો પોલીસે દાવો કર્યો છે, તો બીજી બાજુ આ કેસની તપાસ શરૂ કરનારા ફોજદાર એકાએક રજા પર ઉતરી જતાં પણ આશ્ચર્ય સર્જા‍યું હતું. જોકે, તેમણે કૌટુંબિક કારણોથી માગેલી રજા મંજૂર થઈ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.ગત શુક્રવારે અમદાવાદથી આવેલા અને પોતાને અમીત શાહના ભાણેજ તરીકે ઓળખાવનારા મિહિ‌ર શાહે નોંધાવેલી મસમોટી ચોરીની ફરિયાદ કરતાં પોલીસ માટે ખુદ મિહિ‌ર એક પડકાર બની ગયો છે તપાસ શરૂ કરનારા પીએસઆઇ એન.ડી. અસારી પણ રવિવારથી રજા પર ઉતરી જતાં તર્ક-વિતર્ક સર્જા‍યાં હતાં. આગળની તપાસ પીએસઆઇ જી.પી. પટેલને સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચોરીની તપાસના બદલે પોલીસે મિહિ‌રની હકીકત જાણવા પાછળ ધ્યાન કેન્દ્રિ‌ત કરવું પડયું છે. જોકે, ઘટનાના ચાર દિવસ પછી પણ તેનો બંધ મોબાઇલ, ખોટું મનાતું અમદાવાદનું એડ્રેસ, ૨પ૦૦૦ ડોલર અને ૬પ૦૦૦ રૂપિયા તેમજ તેના એરફોર્સમાં પાઇલોટના કથિતઅ ઇન્ટરવ્યૂ તેમજ બેગ ચોરાવાની ઘટનાથી સત્યતા સહિ‌તના કોઇ પણ મુદ્દે પોલીસ ખુલાસો કરી શકી નથી. તપાસમાં ત્રણ દિવસનો સમય કાઢી નાખનારી પોલીસ હજુ પણ થોભો અને રાહ જુઓના મૂડમાં જોવા મળી છે અને આગામી ટૂંક સમયમાં જ આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવામાં આવશે એવો સૂર વ્યક્ત કર્યો છે.આ વિશે સિટી પીઆઇ એચ.બી. જમોડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, અમે મિહિ‌ર શાહ વિશે પૂરેપૂરી હકીકત જાણવા માટે તપાસ વેગવાન બનાવી રાખી છે. થોડા સમયમાં જ સમગ્ર વાસ્તવિકતા સામે આવી જાય એવી શક્યતા છે. પીએસઆઇ અસારી વિશે કહ્યું કે, તેમણે કૌટુંબિક રજા માગી હતી, એ મંજૂર થતાં તેઓ ગયા છે. આ કેસ સાથે તેને સંબંધ નથી.