તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જે.પી. સિમેન્ટ કંપની સામે ખારઇના ગ્રામજનોના ધરણા શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે.પી. સિમેન્ટ કંપની દ્વારા આચરવામાં આવતી કથિત ગેરરીતિના મુદ્દે તપાસની માંગ સાથે ખારઇ ગામના સો જેટલા ગ્રામજન દ્વારા દયાપર ખાતે પ્રતીક ધરણા શરૂ કરવામાં આવ્યાં છે. દયાપર મામલતદાર કચેરી સામે છાવણી બાંધીને બેઠેલા ખારઇ ગામવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, જ્યારે કંપની શરૂ કરવામાં આવી, ત્યારે લોકોને જમીનોના બદલામાં કાયમી નોકરી આપવાની વાત કરેલી, પરંતુ હજી સુધી રેગ્યુલર ઓર્ડર ન કરનારી કંપની દ્વારા લોકોને છૂટા કરી દેવામાં આવે છે.

તાજેતરમાં કંપની દ્વારા મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે લોકોએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા વિકાસના કાર્યોમાં પણ રસ દાખવ્યો ન હોવાનું જણાવાયું છે. કંપની દ્વારા સરકારી તેમજ ખેતીની જમીનો પર રસ્તાઓ બનાવીને ઘાસનો નાશ કરી દીધો છે. આ અંગે કોઇ ખેડૂતો રજૂઆતો કરવા જાય તો તેને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનું જણાવી જ્યાં સુધી કંપની દ્વારા ગેરપ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખવાનું જણાવ્યું છે.

દયાપર ખાતે છાવણી બાંધીને સવારના દસથી સાંજ છ વાગ્યા સુધી ધરણા પર બેઠેલા ખારઇ જૂથના ગ્રા.પં.ના દેવલબેન રબારી, ઉપસરપંચ પડ્યાર અબ્દ્રેમાન હાજી સહિ‌તના આગેવાનોએ રજૂઆત કરી હતી. લેખિત રજૂઆતના જવાબમાં દયાપર મામલતદાર તૃપ્તિબેને જણાવ્યું હતું કે, અગાઉ પણ ડીઆઇએલઆર દ્વારા માપણી થઇ છે છતાં પણ ગામના પ્રતિનિધિ મંડળ સાથે પુન: જમીનની માપણી કરાવવાની ખાતરી આપી હતી તેમજ ગ્રામજનો અને કંપની વચ્ચેના અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે સાથે મળી બેઠક યોજવા જણાવ્યું હતું, તે સાથે વહીવટ તંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાતરી અપાઇ હતી.