તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયામકે જ પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક કેડરનો છેદ ઉડાડ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બદલી કેમ્પમાં શાળાના કુલ મહેકમને ધ્યાને લેવા આદેશ : સંગઠન રજૂઆત કરીને ભેખડે ભરાયું

પ્રાથમિક શિક્ષણમાં વહીવટીક્ષેત્રે મગજની નસો ખેંચાઇ જાય તેવી મહેકમની પ્રક્રિયા બાદ જાહેર કરાયેલો બદલીનો કેમ્પ યોજાય તે પૂર્વે જ નિયામકના એક આદેશે હવા કાઢી નાખતાં હવે કેમ્પ ક્યારે યોજાશે, તેના પર અનિ‌શ્ચિ‌તાના વાદળો ઘેરાયાં છે, તો બીજીતરફ પ્રાથમિક શિક્ષણ નિયામકે પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક કેડર જ જાણે રદ્દ કરી નાખી હોય તેવું અર્થઘટન સ્થાનિકેથી કરાતા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. નિયામક આર.સી. રાવલે તા. ૨/૭ના પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, વધઘટની બદલી કરતી વખતે શાળાનું મંજૂર મહેકમ ધ્યાને લઇ અને જો વધ થતી હોય, તો શાળાના સૌથી જુનિયર શિક્ષકને વધઘટની બદલીના નિયમાનુસાર વધમાં ગણીને બદલી કરવાની રહેશે.

આ સંદર્ભે અભ્યાસુના જણાવ્યા અનુસાર નિયામકના પરિપત્રથી સ્પષ્ટ થાય છે કે, શાળાના કુલ મંજૂર મહેકમમાં ધો. ૧થી પમાં આઠ શિક્ષક ફરજ બજાવતા હોય અને ધો. ૬થી ૮માં બે શિક્ષક ફરજ બજાવતા હોય આવી સ્થિતિમાં ધો. ૬થી ૮માં બે શિક્ષકોની ઘટ પડે, તો ધો. ૧થી પવાળા એટલે કે પીટીસીવાળા શિક્ષકોને ધો. ૬થી ૮માં વિષય શિક્ષક તરીકે સમાવી લેવામાં આવશે. બીજા શબ્દોમાં હવે પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક એવી કેડર રહેતી નથી, એવું સ્થાનિકે માનવામાં આવી રહ્યું છે.

બદલીના કેમ્પ યોજાય, તારીખો નક્કી થાય, બદલી પાત્ર શિક્ષકો અગાઉથી પોતાની અનુકુળતા મુજબ બદલવાની માનસિક તૈયારી કરી બેઠા હોય, ત્યારે કોથળા માંથી બિલાડું કાઢવાની જૂની પરંપરાથી અનેક શિક્ષકો સરખા મૂંઝાયા છે. બીજીતરફ કચ્છ પ્રાથમિક શિક્ષક સમાજે ધો. ૧થી પની વધને ધો. ૬થી ૮માં સરભર કરવા માગણી કરેલી નથી તેવી સ્પષ્ટતા કરતી અખબારી યાદી જારી કરીને આ નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાયો હોવાનું જણાવી રાજ્યના સંગઠનથી પોતાને દૂર રાખ્યા હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

પ્રાથમિક શિક્ષકોના હિ‌તોની રક્ષામાં કાર્યરત ગણાતાં સંગઠન દ્વારા કેટલીક બાબતોની રજૂઆત લાંબા ગાળાની અસરને ધ્યાનમાં લીધા વગર કરાતી હોવાથી શિક્ષકો ધંધે લાગતા હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.