રાજકીય દબાણના કારણે બાળલગ્નો મુદ્દે ભીનું સંકેલાયું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સમાજ સુરક્ષા અધિકારી સાથે સીધી વાત:કચ્છમાં બાળલગ્નો થયાં જ નથી

સમાજ સુરક્ષા ખાતાનો તપાસને અંતે બાળલગ્નો ન થયાં હોવાનો રિપોર્ટ ૧૨૦ જેટલા લગ્નો થયાં હતાં એના બદલે માત્ર પ લગ્નોમાં જ તપાસ કરી તેને પણ કલીનચીટ આપી દેવાઇ કે તે લગ્નો નહોતાં, પણ સગાઇ હતી:કલેકટરે બનાવેલી સ્પેશિયલ ટીમે પણ કંઇ ન ઉકાળ્યું: કલેકટરને રિપોર્ટ સોંપાયો

જિલ્લાના આહિ‌રપંથકના ગામોમાં અંધારી તેરસના એક જ દિવસે થયેલાં ૧૨૦થી વધુ બાળલગ્નો અંગે 'દિવ્ય ભાસ્કરે’ લાલબત્તી ધર્યા બાદ છેક ગાંધીનગરથી આ અંગે તપાસ કરવા દબાણ આવતાં સ્થાનિકે કલેકટર દ્વારા સમાજ સુરક્ષા ખાતા સાથે રહીને તપાસ કરવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવાઇ હતી, પરંતુ જાણવા મળતી વિગતો મુજબ આ ટીમ દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી છે.૧૨૦ જેટલાં ગામે ગામ લગ્નો લેવાયાં હતાં તેના બદલે આ ટીમે માત્ર પાંચ લગ્નોમાં જ નિવેદનો લઇ તેને પણ કીલનચીટ આપી દીધી છે કે આ લગ્નો નહી, પણ ગ્રામજનોના કહેવા મુજબ સગાઇ હતી.આમ ખુદ કોઇ ઉલટતપાસ કર્યા વિના જ તંત્રે લગ્ન કરનારાઓ અને લોકોના નિવેદનો કોઇ નાના બાળકની જેમ માની લઇ કચ્છમાં કોઇ બાળલગ્નો થયા નથી તેવો તપાસ રિપોર્ટ આજે કલેકટરને સોંપ્યો હતો.

રતનાલમાં જ ૯૦ લગ્નો લેવાયાં હતાં, જે ખુદ રાજ્યમંત્રી વાસણભાઇ આહિ‌રનું ગામ છે અને તેના જ સમાજમાં આ લગ્નો લેવાયા હતા.આ ઉપરાત અન્ય ગામોમાં મળી અંદાજે ૧૨૦ જેટલા લગ્નો એક દિવસે થયાં હતાં પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકીય દબાણથી બધુ ભીનું સંકેલાવવાનું જ હતું અને આખરે તેવો જ રિપોર્ટ બનાવી તંત્રે પોતાની કામગીરી બતાવી દીધી.આ અંગે મળતી વિગતો મુજબ ૧૨૦ જેટલાં લગ્નો સમાજ સુરક્ષા ખાતાને કે કલેકટર દ્વારા નિમાયેલી ટીમને દેખાયાં જ નથી.

માત્ર પ લગ્નોના દેખાવ પૂરતાં નિવદનો લઇ કામગીરી આટોપી લેવાઇ છે.લોડાઇ,જવાહરનગર,સરસપુર,ચપરેડી તથા ખેંગારપુર ગામમાંથી માત્ર પાંચ લગ્નોના તપાસ કરાઇ છે તે પણ જે લોકોએ નિવેદનો આપ્યા છે તે જ તંત્રે નોંધી રિપોર્ટ બનાવી સુપરત કરી દીધો છે, જેમાં લોકોએ જણાવ્યું છે કે આ લગ્નો નહોતાં, પરંતુ માત્ર સગાઇ હતી.આવા જ નિવેદનો અન્ય ગ્રામજનોએ આપેલાં છે અને તંત્રે તે માન્ય રાખી અન્ય કોઇ પોતાના તરફથી કામગીરી કરી નથી.અન્ય પુરાવા ચકાસવા કે બીજા ઢગલાબંધ લગ્નોમાં પણ તપાસ કરાઇ નથી તે અનેક ઘૂઢ પ્રશ્નો સર્જી જાય છે.

સમાજ સુરક્ષા અધિકારી સાથે સીધી વાત:કચ્છમાં બાળલગ્નો થયાં જ નથી

પ્રશ્ન:શું કામગીરી કરી તમે બાળલગ્નો મુદે?

ભંડેરી: અમે પાં ગામોમાં પ લગ્નોમાં તપાસ કરી નિવેદનો લીધાં હતાં, જેમાં લોકોએ જણાવ્યું હતું કે, આ સગાઇ હતી લગ્નો નહોતા, તે પરથી કોઇ બાળલગ્નો જણાયા નથી

પ્રશ્ન:લોકોએ કહ્યું ને તમે માની લીધું તમે ખુદ સીડી કે અન્ય પુરાવા તપાસ્યા નહીં ?

ભંડેરી:લોકોએ જણાવ્યું કે લગ્નો નહોતા તો પછી સીડી તપાસવાનો સવાલ જ કયાં આવે છે?અમારી સાથે સ્પેશિયલ ટીમ પણ હતી, તેઓને પણ તપાસ બાદ બાળલગ્ન ન જણાયા અને સીડી કોઇ ઉતારી નહોતી.

પ્રશ્ન:આજના સમયમાં લગ્નો કે સગાઇમાં કોઇ સીડી ન ઉતારે તે અશકય છે 'ભાસ્કર’ની ટીમ ખુદ જે ગામોમાં ગઇ હતી ત્યાં તમામના ઘરે વીડિયો રેકોર્ડિંગ થતું હતું, તો તમે કેમ સીડીઓ ન જોઇ?

ભંડેરી:લોકોએ જણાવ્યું કે, સીડી નથી બનાવી તેથી અમે ન જોઇ અને કેટલાક સીડી આપવાની ના પાડી દીધી

પ્રશ્ન:કેમ માત્ર પાંચ ગામોમાં તપાસ કરી તે પણ પાંચ જ લગ્નોમાં ? રતનાલ કે જ્યાં એક જ સાથે ૯૦ લગ્નો હતાં ત્યાં તપાસ નથી કરી કારણ કે, વાસણભાઇનું ગામ છે એટલે ?

ભંડેરી:ત્યાં કોઇ લગ્નો થયા હોવાનું જાણવામાં આવ્યું નહોતું

લોકો તો ગામમાં પ્રવેશવા પણ નહોતા દેતા:સમાજ સુરક્ષા અધિકારી

અમારી સાથે પ્રાંત અધિકારી તથા અન્ય પોલીસ અધિકારી સહિ‌તની ટીમ હતી.કેટલાક ગામોમાં તો અંદર જ પ્રવેશવા નહોતા દેતા, તો તપાસ કેમ કરવી,પ્રાંત અધિકારીને પણ ના પાડી દીધી હતી. આ તો અમારી સાથે પોલીસ હતી એટલે માંડ માંડ ગામોમાં જઇ ને નિવેદનો લીધાં હતાં બાકી અન્ય પુરાવા એકત્ર કરવાની તો વાત જ કયાં કરવીઅમે નિવેદનો લીધા સિવાય અન્ય કોઇ રેકર્ડ વીડિયો રેકોર્ડિંગ કે અન્ય રેકર્ડ ચેક નથી કર્યા માત્ર શાળાના સહીવાળું જન્મતારીખનું પ્રમાણપત્ર જોયા છે તે પરથી આ તમામ પાંચ લગ્નોમાં છોકરો અને છોકરી પુખ્તવયના જણાયા છે.