ભુજમાં પોલીસપુત્ર કેદીને મોજ કરાવનારા બે પોલીસ કર્મી ઘર ભેગા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રિપોર્ટમાં સંડોવણી ખૂલતાં એસપીએ સસ્પેન્ડ કર્યા
- વડોદરાના શખ્સ અને તેના મિત્ર સહિ‌ત ચારેય કાનૂની સાણસામાં

ભુજમાં વડોદરાના જમીન કૌભાંડ મામલે પાસા હેઠળ પાલારા જેલમાં ધકેલાયેલા પોલીસપુત્રને પોલીસ જાપ્તા દરમિયાન બાદશાહી સગવડો મળ્યાના ચકચારી પ્રકરણમાં છેવટે બે પોલીસ કર્મચારી સામે તપાસ થયા બાદ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો આ પ્રકરણમાં બેય પોલીસ કર્મચારી તેમજ કેદી અને તેના મિત્ર સામે એફઆઇઆર દર્જ કરીને પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો.

આ વિશે ભુજ સિટી પોલીસના ઇન્સ્પેક્ટર એચ.બી. જમોડે જણાવ્યું કે, શુક્રવારે રાત્રે પાલારા જેલમાં પાસા હેઠળ કેદ રહેલા બ્રિજેશસિંહ કિશોરસિંહ ચૌહાણને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાં સારવાર આપવામાં આવી હતી, એ દરમિયાન જાપ્તાની ફરજમાં રહેલા હેડ કોન્સ્ટેલબ મુકુંદચંદ્ર ઠાકોરભાઈ ગામીત અને એલઆર વિક્કીકુમાર ઠાકોરભાઈ પટેલની મિલિભગતથી આ બ્રિજેશસિંહ તેના મિત્ર કમલેશ પટેલની કારમાં બેસીને ભુજમાં જ રહેતા તેના સંબંધીને ત્યાં જમવા ચાલ્યો ગયો હતો. અડધા કલાક પછી તે પરત આવ્યો હતો. આ ઘટના સામે આવતાં એસપી બિપીન અહિ‌રેએ તપાસની સૂચના આપી હતી, જેમાં બેય પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતાં તેઓને પોલીસવડાએ રવિવારે સસ્પેન્ડ કર્યા હતા.


વધુમાં પીઆઇએ કહ્યું કે, જેલના બંદીવાનને ગેરકાયદે સગવડ કરી અપાયાના આ પ્રકરણમાં બેય પોલીસ કર્મચારી ઉપરાંત ખુદ બ્રિજેશસિંહ અને તેના મિત્ર સામે પ્રિઝન્સ એક્ટની કલમ ૪૨ તેમજ જાહેરનામાના ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીમારીનું ત્રાગું કર્યું હતું

જમીન કૌભાંડી બ્રિજેશસિંહે જેલમાંથી બહાર નીકળવા માટે શુક્રવારે મેડિકલ ઓફિસર સમક્ષ તેને હૃદય, તાવ અને શ્વાસની તકલીફ હોવાનું ત્રાગું રચ્યું હતું. ડો. બૂચે જેલના રજિસ્ટરમાં એની હકીકત નોંધી તેને હોસ્પિટલ મોકલાવ્યો હતો. વળી, એ જ દિવસે સાંજે ફરી તેણે આ ડોક્ટરને બતાવ્યું, ત્યારે ડોક્ટરે તેને એડમિટ કરવાની ભલામણ પણ કરી હતી, આ પ્રકરણમાં ખરેખર કોઇ બીમારી હતી કે નહીં એની તપાસ થશે.