સર્વિસ રાઈફલથી પોલીસે કર્યો આપઘાત, માથાંની આરપાર નીકળી ગોળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભુજમાં પોલીસે સર્વિ‌સ રાઇફલથી કર્યો આપઘાત
- બેંકમાં ગાર્ડ તરીકે નાઇટ ડયૂટીમાં હતા, ત્યારે જ ભરેલાં પગલાંથી અરેરાટી
- આપઘાત પાછળના કારણ અકબંધ

ભુજ શહેરમાં એક પોલીસ કર્મચારીએ પોતાની સર્વિ‌સ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં અરેરાટી ફેલાઈ હતી. ગુરુ-શુક્રવારે રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં જોકે, આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ તપાસના પ્રારંભિક તબક્કે બહાર આવી શક્યું નહોતું. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ બનાવમાં પપ વર્ષીય પ્રતાપભાઈ હરજીભાઈ રાજપૂતે આત્મહત્યા કરી હતી. ભુજના પોલીસ હેડ ક્વાર્ટરમાં હથિયારધારી એએસઆઇ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. હાલ તેમની ડયૂટી ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં ગાર્ડ તરીકે હતી. તેઓ ત્યાં ગુરુવારે રાત્રે આઠ વાગ્યે ફરજ પર ગયા હતા.

શુક્રવારે સવારે તેઓ બેંકના ગાર્ડરૂમમાં ખુરશી પર ઢળી પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમણે સર્વિ‌સ રાઇફલ (થ્રીનોટથ્રી)થી ગળાંના ભાગે ફાયરિંગ કરી લીધું હતું. ગોળી તેમના માથાંના પાછળના ભાગેથી નીકળીને દીવાલ સાથે ભટકાયા બાદ નીચે પટકાઇ હતી. આ બનાવની જાણ થતાં જ ડીવાયએસપી તેજલ પટેલ સાથે પોલીસ કાફલો એફએસએલ અધિકારી સાથે ઘટનાસ્થળે સવારે પહોંચી આવ્યો હતો. સેંકડોની સંખ્યામાં શહેરીજનો પણ ટોળે વળ્યાં હતાં. આ બનાવે પોલીસબેડાંની સાથે લોકોમાં પણ ભારે અરેરાટી જન્માવી હતી. આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- નિવેદન લીધાં બાદ જાણવા મળશે કારણ : પીઆઇ

પોલીસ તંત્ર માટે આ બનાવ ઘણો કરુણ છે. કુટુંબીજનો અને સગા-સંબંધીના નિવેદન લીધાં બાદ કોઇ કારણ મળે એવી શક્યતા છે. હાલ પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ હોવાથી નિવેદન ન લઈ શકવાને લીધે કોઇ કારણ જાણવા મળી શક્યું નથી. - બી.એમ. દેસાઈ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશન-ભુજ

આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ

બેંકમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવેલા છે. આપઘાતની ઘટના પણ આ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હોવાની શક્યતા છે. પોલીસે બેંક પાસેથી ફૂટેજ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.
આગળ વાંચો રાત્રે સાડા નવ વાગ્યે એક જણે સાંભળ્યો ધડાકો