કુકમાની જુગાર ક્બલ બંધ કરાવવા ઉચ્ચ અધિકારીઓને કરાઇ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર -જુગાર ક્લબ)

-જાગૃતતા|અસામાજિક ધંધાને કારણે પોલીસની આબરૂનું ધોવાણ
-
ભુજના જાગૃત લોકોએ આગળ આવી અને ક્લબના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા

ભુજ: ભુજ તાલુકાના કુકમા નજીક પોલીસની મીઠી નજરથી જુગાર ક્લબ ધમધમતી થઈ એ વાતને કેટલાંય દિવસ થઈ ગયા છતાં પોલીસે દરોડો નથી પાડ્યો. એ આશ્ચર્ય વચ્ચે હવે આ જુગાર ક્લબ બંધ કરાવવાની માગણી સાથે ભુજના કેટલાક લોકો આગળ આવ્યા છે, તેમણે ભુજના પોલીસવડાની સાથે જિલ્લા ક્લેક્ટર અને ડીઆઇજીને પણ ક્લબના સ્થળના ફોટોગ્રાફ અને ચોંકાવનારી વિગતો સાથે ફરિયાદ કરતાં હવે પોલીસની આબરૂ દાવ પર લાગી ગઈ છે.

ભીડ ગેટ પાસે રહેતા ઇસ્માઈલ જુમ્મા હિંગોરજા સહિત 15 જણની સહી સાથે કરવામાં આવેલી આ રાવમાં જણાવ્યા પ્રમાણે કુકમા પાસે ચાલતી જુગાર ક્લબમાં હારજીતની સાથે વ્યાજનો ધંધો પણ કરવામાં આવે છે.હારેલાને વ્યાજે નાણાં અપાય છે. જુગારીઓને બસ સ્ટેશન અને તેમના ઘરેથી લાવવા માટે જીપ પણ રાખવામાં આવી છે. અહીં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ દરમિયાન બોલાચાલી અને ગાળા-ગાળી પણ થાય છે, તેને ત્યાં જ પતાવી દેવામાં આવે છે. આ ગેરકાયદે ધંધાને કારણે કોઇ મોટી મારામારીની ઘટના બને એ પહેલાં અને યુવાધન બરબાદીના ખપ્પરમાં હોમાય એ પહેલાં જ પોલીસ આ જુગાર ક્લબને બંધ કરાવે એવી માગણી કરવામાં આવી છે.

આ જુગાર ક્લબ તાત્કાલિક બંધ નહીં કરાવવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જઈને ઊચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે, એવું જણાવી પંદરેક અરજદારે ક્લબના ફોટોગ્રાફ્સ સાથે આ ફરિયાદ આપવામાં આવી છે. મોટા પાયે સેટિંગથી શરૂ થયેલી ક્લબના સંચાલકો આ રજૂઆતથી ફફડી ઉઠે તો નવાઈ નહીં. પોલીસ માટે પણ હવે પરીક્ષાનો સમય શરૂ થઈ ગયો છે. કારણ કે, માત્ર પોલીસના ઉચ્ચ અધિકારી નહીં પણ સાથે સાથે જિલ્લા ક્લેક્ટરને પણ આ બાબતે રાવ કરવામાં આવી છે.

દરોડો ન પડવાની સંચાલકોની ગેરન્ટી
કુકમા ક્લબ પર પોલીસ દરોડો ન પડે એવી ધરપત આપવામાં આવી રહી છે, જે કેટલી મલાઈ અપાતી હશે એનો અણસાર સૂચવે છે. ક્લબ માલિક ભાજપના નગરસેવક અને અગાઉ દારૂમાં પકડાઈ ચૂકેલા ઇબ્રાહીમ મૂંડી અને કચ્છમાં વ્યાજનો કારોબાર ચલાવનારા બે લોકોએ વાતની ગેરન્ટી આપે છે, કે પોલીસ આ ક્લબ પર દરોડો નહીં પાડે. આ ખાતરીથી કચ્છ તેમજ રાજ્યના અન્ય સ્થળેથી રમવા આવનારા શખ્સોની સંખ્યા સારી એવી થાય છે.