તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઠ્ઠાકાંડને પગલે દેશીદારૂ બંધ કરાવવા વિપક્ષ રહી રહીને જાગ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર કોંગ્રેસના આગેવાનોએ એસપીને સંબોધી આવેદન પાઠવી કડક પગલાં ભરવા કરી માંગ

ભચાઉમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શાસકપક્ષ પણ વિરોધ નોંધાવી ચૂક્યો છે, ત્યારે રહી રહીને પણ કુંભકર્ણની નિદ્રામાંથી જાગેલા શહેર કોંગ્રેસના આગેવાનોએ શુક્રવારે એસપીને સંબોધીને આવેદનપત્ર પાઠવી દેશીદારૂના ધમધમતા હાટડાઓ બંધ કરાવવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.

ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ચેતન જોષી, લાલજી દનિચા, ઉમેદ જોષી, અજીત ચાવડા, સમીપ જોષી, લતીફ ખલીફા સહિ‌તના ૨૦ જેટલા આગેવાને એસપી દિવ્ય મિશ્રને સંબોધીને પાઠવેલાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કચ્છભરના શહેરો અને ગામડાઓમાં દેશીદારૂએ માઝા મૂકી છે. ભચાઉમાં દેશીદારૂનો દૈત્ય ત્રણ ત્રણ લોકોને ભરખી ગયો છે, ત્યારે આ દારૂની બદીને ડામી દેવી જરૂરી બની છે. આ સાથે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, કંડલા, ગાંધીધામ, આદિપુરમાં શ્રમિક વર્ગ મોટા પ્રમાણમાં વસતો હોવાથી દેશીદારૂનું દૂષણ બેફામ વધ્યું છે.

પોલીસ પણ દારૂના દૂષણને ઉત્તેજન આપે છે

કોંગ્રેસી આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, બેરોક્ટોક હાટડાઓ ચલાવતા બૂટલેગરો પાસેથી પોલીસ હપ્તા ઉઘરાવી આડકતરી રીતે ખુદ પોલીસ અધિકારીઓ જ દારૂના દૂષણને ઉત્તેજન આપી રહ્યા છે.