મુન્દ્રાના નાયબ મામલતદારના વર્તન સામે લોકોની નારાજગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તાલુકા પંચાયતના પદાધિકારીઓએ પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદનપત્ર આપ્યું મુન્દ્રા તાલુકા પંચાયતના પદાધિકારી અને સભ્યોએ પ્રાંત અધિકારીને મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર આપખુદશાહીથી અરજદારો સમક્ષ ગેરવર્તણૂક કરતા હોવાની લેખિત ફરિયાદ સાથેનું આવેદનપત્ર પાઠવતા આવેદનપત્રોનો સિલસિલો જારી રહ્યો હતો. પ્રાંત અધિકારીની કચેરીમાં અપાયેલા આવેદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૌહાણ અરજદારો પ્રત્યે તુમાખીભર્યું અવિવેકી વલણ અખ્તયાર કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભીમાજી જાડેજાએ અઠવાડિયા પહેલાં કચેરી મધ્યે નાયબ મામલતદાર ચૌહાણ સમક્ષ પોતાના પ્રકરણ વિશે માહિ‌તી માગતાં તેમણે તુમાખીભર્યો જવાબ આપતાં હું બધા પ્રકરણો હાથમાં લઇને ફરતો ન હોવાનું કહી અત્યંત અવિવેકી વલણ દર્શાવ્યું હોવાની બાબતનો ઉલ્લેખ કરાયો છે. તા.પં.માં કારોબારી ચેરમેનના જવાબદારીભર્યા પદનો કાર્યભાર સંભાળતા હોદ્દેદાર પ્રત્યે અસભ્ય વર્તન દાખવનારા નાયબ મામલતદાર સામે શિસ્તભંગના પગલાં લઇ તાત્કાલિક બદલીની માંગ કરાઇ છે જો ફરિયાદ સંદર્ભે પગલાં ન લેવાય તો કચેરીના પ્રાંગણમાં આગળના કાર્યક્રમો આપવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારાઇ છે. મહેસૂલ શાખામાં જમીન સંબંધિત માહિ‌તી માગવામાં આવતાં કર્મચારીઓ મોઢું બગાડતા હોવાની રાવ ઉઠી છે. તાલુકાના મહેસૂલ રેકર્ડ સાથે થયેલા થોકબંધ ચેડાઓની ઘટનાઓમાં મહેસૂલી કર્મચારીઓની સંડોવણી ખાતાના સુસ્ત વલણ પાછળ કારણભૂત હોવાની લાગણી પીડિત સૂત્રો દર્શાવતા જોવા મળી રહ્યા છે.