ભુજમાં જ્યુબિલી પર ઓવરબ્રિજ બનાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાડાએ બોર્ડ મીટિંગમાં ભુજ શહેરના વિકાસને લગતા મહત્ત્વના ઠરાવો પસાર કર્યા ૨૦૦૧ના ભૂકંપ બાદ કુદકેને ભુસકે વધી રહેલાં ભુજ શહેરને આધુનિકતાના વાઘા પહેરાવવા અને શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત અપાવવા માટે ભુજ શહેર વિકાસ સત્તામંડળે બોર્ડ બેઠકમાં જ્યુબિલી સર્કલ વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા સહિ‌તના નિર્ણયો લીધા હોવાનું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જ્યુબિલી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાથી આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે અને ભુજની સુંદરતાને ચાર ચાંદ લાગશે. તેમના કહેવા મુજબ આગામી વર્ષોમાં ભુજ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવા તરફ જઇ રહ્યું છે. તેમના કહેવા મુજબ ભાડાના વર્ષ ૨૦૧૨-૧૩ માટે રૂ. ૧૩.૪૦ કરોડના બજેટને આ મીટિંગમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, તો શહેરનના હાર્દ સમાન હોસ્પિટલ રોડની સાઇટોને ડસ્ટફ્રી રાખવા સાઇડમાં બાકી રહેતા ભાગમાં પેવર બ્લોક પાથરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. તો ભુજની ટ્રાફિક સમસ્યા જોતાં ટ્રાફિકના નિરાકરણ માટે સત્તામંડળ હસ્તકના પાકિગ પ્લોટમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવા ભુજ નગરપાલિકાને પાંચ વર્ષ માટે ફાળવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સોમપુરા ઉપરાંત મુખ્ય કારોબારી અધિકારી સી.પી. નેમા, સિનિયર ટાઉન પ્લાનર એ.એ. બોરડ, નગર નિયોજક આર વાય યાદવ, પીઆરઓ એમ.જે. મ્યાત્રા ઉપસ્થિત રહ્યા હતા. - સત્તામંડળની હદ વધારાશે ભાડાએ એવો પણ ઠરાવ પસાર કર્યો છે કે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની મંજૂર અને અમલી વિકાસ યોજનાને ૧૦ વર્ષ પૂર્ણ થઇ ગયાં હોવાથી રિવાઇઝડ ડીપીમાં સત્તામંડળની હદ ઉપરાંત ઉત્તર દિશામાં ભુજ સીમ, દક્ષિણ દિશામાં મુન્દ્રા રોડ, પૂર્વ દિશામાં સુખપર ગામ તથા સીમ અને પ‌શ્ચિ‌મ દિશામાં માધાપર ગામ અને સીમનો સમાવેશ કરવા સર્વે કરી સત્તામંડળની હદ વધારવા સરકારમાં દરખાસ્ત મોકલવી. - ખારી નદી માટે ૧૦ લાખ ભુજમાં સમસ્ત હિ‌ન્દુ સમાજનું એક માત્ર સ્મશાન ખારી નદી પર છે. જેનું સંચાલન ખારી નદી વિકાસ સમિતિ કરે છે, જેના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયની રજૂઆતથી તેના વિકાસ માટે ભાડાએ રૂા. ૧૦ લાખની ફાળવણી કરી છે.