આમરવાંઢમાં દોઢ જ માસમાં ભેદી તાવથી પાંચમું મોત થતાં ભયનો માહોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આમરવાંઢમાં ભેદી તાવથી વધુ ૧ તરૂણનો ભોગ લેવાયો
- દોઢ જ માસમાં પાંચમું મોત થતાં ભય
- આરોગ્ય તંત્રની ટીમ દોડી ગઇ : શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાયા
- કયા વાઇરસનો આંતક છે, તે જાણવા સેમ્પલ દિલ્હી કે પૂના ખાતે મોકલાવાશે
- ૧૭ જૂનનાં મોતને ભેટેલી તરૂણી અને હાલનો મૃતક તરૂણ એક જ કુટુંબના


કચ્છમાં ભેદી તાવના અલગ-અલગ કિસ્સા નોંધાઇ રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્રની દોડધામ વધી ગઇ છે. માધાપરમાં થોડા દિવસ પહેલાં રબારી યુવાનનું કોંગો નામના તાવના કારણે તથા રવિવારે ભચાઉમાં એક યુવાનનું તાવથી થયેલાં મોતની ઘટના તાજી જ છે, ત્યારે અબડાસા તાલુકાના આમરવાંઢમાં એક માસમાં રહસ્યમય તાવના કારણે ચાર મોત તથા રવિવારે વધુ એક તરૂણનું મોત થયાનું જાણવા મળતાં આરોગ્ય તંત્રની ટીમે આમરવાંઢમાં ધામા નાખ્યા છે.

આ અંગે મળતી માહિ‌તી મુજબ ૧૨૦૦ જેટલી વસતી ધરાવતાં આમરવાંઢમાં મોટા ભાગે મુસ્લિમોની વસતી છે. છેલ્લા એક માસમાં ગામમાં તાવનો વાયરો ફુંકાયો હોય, એમ ઘેર-ઘરે તાવના ખાટલા ખડકાયા છે, જેમાં રવિવારે એક ૧પ વર્ષના તરૂણનું તાવના કારણે મોત થઇ ગયા બાદ લોકોએ જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ગામમાં જિલ્લા આરોગ્ય તંત્રે કોઠારા તથા ભુજથી મેડિકલ ટીમ મૂકીને દિવસભર ગ્રામજનોની આરોગ્ય તપાસ સાથે બ્લડ સેમ્પલ એકઠા કર્યા હતા.

પ્રાથમિક સારવાર સાથે ગામમાં ફોગિંગ સહિ‌તની કામગીરી કરાઇ હતી. લોકોના જણાવ્યા પ્રમાણે ગામમાં આ પ્રકારના તાવના કારણે પાંચ મોત થઇ ચૂક્યાં છે, જ્યારે આરોગ્ય તંત્ર કહે છે, એક માસમાં બે જ મોત થયાં છે. આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારી મોઢ પણ ખુદ વાંઢ દોડી ગયા હતા અને સ્થિતિનો સર્વે કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, ૧૭ જૂનના આ જ ગામની ૧પ વર્ષીય હવાબીબીનું તાવના કારણે મોત થયું હતું, જ્યારે રવિવારે કોઠારાથી માંડવી તથા ત્યાંથી ભુજ સારવાર માટે લઇ અવાતાં ૧પ વર્ષના ઇશાકશા અબ્દુલ્લાશાનું રસ્તામાં જ મોત થયું હતું અને આ બન્ને તરૂણ એક જ કુટુંબના હોવાનું માલૂમ પડ્યું છે.

કુલ પાંચ મોત અંગે પૂછતાં તેમણે આવી કોઇ માહિ‌તી ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, હાલે કયા વાઇરસના કારણે આ મોત થઇ રહ્યાં છે, તે અંગે અમે ખુદ અવઢવમાં છીએ. કારણ કે, વાઇરલ ફિવર હોય તો પાંચ દિવસમાં મટી જાય, પરંતુ અહીં પ્રાથમિક તપાસણી તથા તાવના લક્ષણો જોતાં ડેન્ગ્યુ કે કોંગો સાથે મેચ થતા નથી, તેથી કયો વાઇરસ આ મોત પાછળ જવાબદાર છે, તે લેબોરેટરી તપાસ બાદ જ જાણવા મળશે. હાલે બે સેમ્પલને રાજકોટ ખાતે મોકલી દેવાયા છે તથા અન્ય સેમ્પલોને દિલ્હી કે પૂના ખાતે મોકલાશે, જેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવી જશે, તેઓએ ઉમેર્યું હતું કે, માથું દુ:ખવું, બેચેની થવી, તાવ આવવો વગેરે લક્ષણો મૃતકમાં જોવા મળ્યાં હતાં, તેથી હાલે તપાસનો વિષય બન્યો છે.

- ગામના ૬૦થી ૭૦ દર્દી હોસ્પિટલોમાં

આખી વાંઢને તાવે ભરડામાં લીધી છે, ત્યારે આરોગ્ય તંત્ર જાગ્યું છે, એવો આક્રોશ ગામના સરંપચ પીરજાદા અલીછાએ વ્યક્ત કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, ગામના ૬૦થી ૭૦ દર્દી ભુજ અને માંડવી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૬૦૦થી ૭૦૦ દર્દી ઘરે ખાટલાઓમાં પડેલા છે.

- રાજકોટ તથા જામનગરથી મેડિકલ ટીમ આવશે

ગામમાં સોમવારે જિલ્લાની મેડિકલ ટીમે ધામા નાખીને ઘરે-ઘરે સર્વે કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તાવના કેસો નોંધાયા હતા. ગામમાં આરોગ્ય સુરક્ષાની દૃષ્ટિએ પ્રાથમિક સારવાર તથા ફોગિંગ સહિ‌તની કામગીરી કરાઇ હતી તેમજ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ લેવાયા હતા. મંગળવારે રાજકોટથી એન્ટીમોલોજિસ્ટની ટીમ આમરવાંઢ આવશે, જે આ વિસ્તારમાં કયાં માખી-મચ્છરનો ઉપદ્રવ છે, તેની તપાસ કરીને તારણ કાઢશે, જ્યારે બુધવારે જામનગરથી મેડિકલ ટીમ આવશે જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે અન્ય વાઇરસ છે, તેની તપાસ કરશે.

- ત્રણ તરૂણ તથા બે વૃદ્ધનો ભોગ લેવાયો

ઉલ્લેખનીય છે કે, ગામમાં તા.૧૭નાં એક મોત થયા બાદ કોઇ ગંભીર પગલાં ન ભરાતાં આ ભેદી તાવે વધુ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો હતો. અગાઉ બ્લોકકક્ષાએથી ટીમ આવી હતી, પરંતુ તેમણે વાઇરલ ફિવર છે, એમ જણાવીને આગળ તપાસ કરી ન હતી. બિનસત્તાવાર રીતે ગામમાં રવિવારે થયેલાં મોત સહિ‌ત પાંચ મોત થયાનું લોકો જણાવે છે, જેમાં ત્રણ તરૂણ તથા બે વૃદ્ધનો સમાવેશ થાય છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે ગામમાં આ તાવે ભય સાથે અનેકના માથે મોતનું જોખમ ઊભું કર્યું છે.