જનરલ હોસ્પિટલમાં વૃદ્ધાનું મોત, પરિવારજનોએ મચાવ્યો હંગામો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલાં ભચાઉના વૃદ્ધાએ દમ તોડી દેતાં ઉશ્કેરાયેલા પરિજનોએ સારવારમાં બેદરકારી દાખવાઇ હોવાના આક્ષેપ સાથે એક્સ-રે વિભાગમાં નાની-મોટી તોડફોડ કરી હતી. જોકે, સિક્યુરિટી ગાર્ડ દોડી આવતાં મામલો શાંત પડી ગયો હતો.
ભચાઉના મીઠીબેન તેજાભાઇ સૂંઢાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થયા બાદ જનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બુધવારે સવારે તેમનો જીવનદીપ બૂઝાતાં તેમના ભત્રીજા રમેશ સૂંઢા અને સંબંધી આણદા પાંચા પરમારે હોસ્પિટલ માથે લીધી હતી અને નાની-મોટી તોડફોડ કરી હતી. એટલું જ નહીં, કેટલાક દર્દીના રિપોર્ટ ફાડી સ્ટાફ સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
હોસ્પિટલના સંચાલક અદાણી જૂથના વહીવટી વડા મયૂર રાવલે કહ્યું હતું કે, સોમવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ આ વૃદ્ધાને સારવાર માટે લવાયાં, ત્યારે બેભાન હાલતમાં હતાં તે વખતે જ ફરજ પરના તબીબે દર્દીની બચવાની સંભાવના નહીંવત્ હોવાનું કુટુંબીઓને કહ્યું હતું. મલ્ટીપલ હેડ ફ્રેકચર તેમજ હેમરેજ સાથે આવેલા આ દર્દી‍એ અગાઉ ભચાઉની સરકારી અને વાગડ વેલ્ફેરમાં સારવાર લીધી હતી, જે અક્સીર ન નિવડતાં ભુજમાં નાજૂક હાલત સાથે ખસેડાયાં હતાં.
- બે દિવસ પહેલાં મહિ‌લાને છકડાએ અડફેટે લીધી ’તી
ભચાઉમાં સોમવારે રાત્રે સરકારી હોસ્પિટલે દાખલ સગાના ખબર-અંતર પૂછીને મીઠીબેન તેજાભાઈ સૂંઢા પરત જતાં હતાં, ત્યારે રસ્તા પરથી પૂરઝડપે નીકળેલા છકડાએ તેમને ઠોકર મારી હતી. ગંભીર ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. અહીં બુધવારે સવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.