ભુજમાં રિવર્સ જતાં લોડર અડફેટે બાળકને કાળ ભેટયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગઢશીશાથી ભુજ રોડ પર એક્ટિવા-સ્કૂટરની ટક્કરમાં ચાર ઘવાયા

ભુજ શહેરના જીઆઇડસીમાં આવેલી એક ફેક્ટરીમાં રિવર્સ જતાં લોડર નીચે ત્રણ વર્ષનો છોકરો કચડાઈ જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી, તો બીજી બાજુ ગઢશીશા-ભુજ રોડ પર સર્જા‍યેલા અકસ્માતમાં બે છોકરી સહિ‌ત ચાર લોકો ઘવાયા હતા. પોલીસ સૂત્રોએ આપેલી માહિ‌તી પ્રમાણે ભુજના જીઆઇડીસીમાં આવેલી શ્રીરામ ફેક્ટરીમાં લોડર અડફેટે ૩ વર્ષના અર્જુન રમણભાઈ હકરાનું મોત થયું હતું. હતભાગી બાળક ખુલ્લામાં સૂતો હતો, તેના પિતા ફેક્ટરી કામ કરતા હતા, ત્યારે ચાલક આરબ સુમરાએ બેદરકારથી લોડર રિવર્સમાં હંકારતાં આ અકસ્માત સર્જા‍યો હતો. હતભાગીના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. બાળકને માથામાં ગંભીર ઇજા થઈ હતી.

સારવાર માટે ખસેડવામાં આવ્યો, પણ કમનસીબે બચી શક્યો નહતો. પોલીસે મૃતકના પિતા રમણભાઈ હકરાભાઈ ભુરિયા (રહે. માધાપર)ની ફરિયાદ પરથી લોડર ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે ગઢશીશાથી ભુજ જતા રોડ પર સર્જા‍યેલા અકસ્માતમાં સુખપરના વિનોદભાઈ વાલજી પિત્રોડા (૪૮), તેમની પુત્રીઓ ભૂમિકા(૧૯) તથા હેન્સી(૧૪) ઘવાયા હતા. આ ત્રણેય એક્ટિવા હંકારીને જતા હતા, ત્યારે સામેથી સ્કૂટર હંકારીને આવતા વાલજી હિ‌રજી ગજરા (ગઢશીશા) સાથે ભટકાયા હતા.વાલજીભાઈને પણ ઇજા થઈ હતી. ચારેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ વિનોદભાઈની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસનો દોર આગળ વધાર્યો હતો.