નવો ફંડા : સાધુ તો 'હાઇટેક’ ભલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નવો ફંડા : સાધુ તો 'હાઇટેક’ ભલા
-હાઇટેક યુગમાં સંસારી સુખ ત્યજનારા સાધુ-સંતો પણ પાછળ રહ્યા નથી
આજની પેઢીના યુવાનો જેમ નીતનવા ગેજેટ્સ તથા વિવિધ સોશિયલ સાઇટ્સનો વ્યાપકપણે ઉપયોગ કરતા થયા છે, તેમ હવે આ હાઇટેક યુગમાં સંસારી સુખ ત્યજનારા સાધુ-સંતો પણ પાછળ રહ્યા નથી. હાલમાં મોટાભાગના દરેક ધર્મગુરુ કે સંત ફોનનો ઉપયોગ કરતા થયા છે, તે સામાન્ય વાત બની ગઇ છે. હવે, તેનાથી એક ડગલું આગળ લેટેસ્ટ સ્માર્ટફોન સૌના હાથમાં જોઇ શકાય છે, એમાં પણ હવે ફેસબુક, ટ્વીટર, વોટસએપ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હાઇટેક સાધુ-સંતો ઠેકઠેકાણે જોવા મળી રહ્યા છે.
જુદા-જુદા સંપ્રદાયના સંતો કે ગુરુઓ વિવિધ ગેજેટ્સ તથા એપ્લિકેશન વાપરતા થયા છે. પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ભુજ સ્થિત એક સંતે જણાવ્યું હતું કે, જમાના પ્રમાણે દરેક વ્યક્તિએ બદલવું પડે છે, હવે સમય લેટેસ્ટ ગેજેટ્સનો છે, તો આપણે પણ શા માટે તેનો વપરાશ ન કરવો જોઇએ.
ફેસબુક પર સર્ચ કરવામાં આવતા વિવિધ સંતોના ફેસબુક પેજ જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના સંતો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, આ સંત જણાવે છે કે, ધર્મના પ્રચારમાં લેટેસ્ટ ટેકનોલોજીનો વપરાશ કરવામાં કંઇ ખોટું નથી. તેમનું એવું પણ કહેવું છે કે, વિદેશમાં રહેતા ભક્તો સાથે વાર્તાલાપ કે કોઇ પ્રશ્ન કે મૂંઝવણ વિશે ચર્ચા કે જવાબ આપવા ફેસબુક કે અન્ય એપ્સ ઉપયોગી બને છે.
સાધુ તો ચલતા ભલા એ કહેવત પણ હવે જૂની બની રહી છે એમ સાધુ તો હાઇટેક ભલા એ કહેવત પણ હવે અમલમાં આવી જશે.
ક્યાંક દૂરુપયોગ પણ થાય છે
આજકાલ મોબાઇલ પર ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે, ત્યારે ફેસબુક,વોટસએપ કે ટ્વીટર સતત ઓન રહેતાં હોય છે અને તેના પર ચેટિંગ પણ સતત ચાલુ રહેતું હોય છે, ત્યારે આ હાઇટેક ટેકનોલોજીની અન્યબાજુ એવી રૂચિભંગ કરતી વસ્તુઓ પણ સાધુપણાની પરંપરા માટે જોખમરૂપ છે. છાશવારે સન્યાસ લેનારા સંતો મહિ‌લાઓ સાથે પકડાઇ ચૂક્યાના દાખલા નજર સામે છે, ત્યારે હાઇ-ફાઇ મોબાઇલ વાપરવા કે ફેસબુક, વોટસએપ જેવી સોશિયલ સાઇટ્સનો ઉપયોગ મોહમાયા છોડનારાઓ માટે કેટલો ઉચિત છે, તે યક્ષ પ્રશ્ન પણ રહેતો આવ્યો છે.