કચ્છમાં બાયોમેટ્રીક કાર્ડનું વિતરણ અટકાવતા નરેન્દ્ર મોદી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે કેન્દ્રના ગૃહમંત્રી દ્વારા આ કાર્ડનું વિતરણ થવાનું હતું
- કેન્દ્રીય ગૃહમંત્રાલયે બનાવેલા હાઇટેક બાયોમેટ્રીક કાર્ડની વિશ્વસનીયતા ઉપર શંકા કરતી રાજ્ય સરકાર


કેન્દ્રના નિર્ણય તેમજ વિવિધ યોજનાઓ સામે વિરોધ નોંધાવીને યુપીએ સરકાર સામે મોરચો ખોલવા માટે જાણીતા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શનિવારે કચ્છમાં વિતરીત થનારાં બાયોમેટ્રીક કાર્ડનું વિતરણ રોકાવીને વધુ એકવાર કેન્દ્રની યુપીએ સરકાર સામે બાંયો ચઢાવી છે.

કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા શનિવારે રાજ્યકક્ષાના ગૃહમંત્રી જીતેન્દ્ર સિંઘ દ્વારા આ હાઇટેક કાર્ડનું વિતરણ નારાયણ સરોવરમાં થવાનું હતું, પરંતુ રાજ્યની સરકારે આ કાર્ડની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠાવીને તેને કચ્છમાં ડિસ્ટ્રીબ્યૂટ થતાં અટકાવી દીધાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય તેમજ સેન્સસ ઓપરેશન્સ દ્વારા ૬૪ કેબીની ક્ષમતાવાળાં હાઇટેક બાયોમેટ્રીક કાર્ડને શનિવારે વિતરીત કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યની મોદી સરકારે દિલ્હી ખાતે પત્ર લખીને તાત્કાલિક અસરથી આ વિતરણને અટકાવી દેવાની સૂચના આપી હતી, જેને પગલે સેન્સસ ઓપરેશન્સના ઉચ્ચ અધિકારીઓએ મામલો વધુ વિવાદમાં ન પડે તે માટે હાલ પૂરતી આ કામગીરી અટકાવી દીધી છે. કાર્ડ વિતરણની કામગીરી અટકાવી દેતાં સેન્સસ ઓપરેશન્સના ઉચ્ચ અધિકારીઓએ કચ્છમાંથી ઉચાળા ભરી લીધા છે. હવે આગામી સમયમાં આ કાર્ડને વહેંચવામાં આવશે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.

હકીકત શું છે?

૨૬/૧૧ના મુંબઇ હુમલા બાદ કોસ્ટલ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવાના આશયથી કેન્દ્રના ગૃહમંત્રાલય મેરીટાઇમ સ્ટેટ એટલે કે દરિયાકાંઠે આવેલા રાજ્યોના નાગરિકોનો એક ડેટા તેમજ ઓળખકાર્ડ બનાવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેમાં નાગરિકની પંદરેક વિગતો ઉપરાંત તેના બન્ને હાથની આંગળીઓની પ્રિન્ટ અને ફોટો મૂકવાનું આયોજન હતું.

ગોવા અને આંદામાન-નિકોબાર સહિ‌તના વિવિધ મેરીટાઇમ સ્ટેટમાં આ કાર્ડનું સફળતાપૂર્વક વિતરણ થઇ ચૂક્યું છે. ત્યાંની રાજ્ય સરકારોએ આ કાર્ડની વિશ્વનીયતા અંગે કોઇ પ્રશ્નો ઉઠાવ્યા ન હતા, પરંતુ ગુજરાતમાં અવારનવાર જે રીતે કેન્દ્ર સરકારની યોજનાઓ અને કાર્યક્રમોનો વિરોધ કરવાની જે ફેશન થઇ પડી છે તેને કારણે કચ્છમાં કેન્દ્રના બાયોમેટ્રીક કાર્ડના પ્રોજેક્ટને અટકાવી દીધો હોવાનો ખુદ રાજ્ય સરકારના અધિકારીઓએ ખાનગીમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત આ કાર્ડને વિતરણ કરવા માટે કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહમંત્રી જીતેન્દ્ર સિંઘને અવસર મળતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અકળાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મોદી પોતે કચ્છમાં આ કાર્ડ વિતરીત કરીને અન્ય યોજનાઓની જેમ બાયોમેટ્રીક કાર્ડ પ્રોજેક્ટને પણ રાજ્ય સરકારની સિદ્ધિમાં ખપાવી દેવા માગતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રોજેક્ટની શરૂઆતથી જ મુખ્યમંત્રી મોદી કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ની સામે ચાલતા રહ્યા છે. આ અંગે બન્ને વચ્ચે પત્ર વ્યવહાર પણ થયા છે. છેલ્લે રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ને પત્ર લખીને આ કાર્ડનું વિતરણ થતું અટકાવ્યું છે.

શું કહે છે અધિકારીઓ?

બાયોમેટ્રીક કાર્ડ વિતરણના કાર્યક્રમને અચાનક અટકાવી દેવાના કારણો જાણવા સેન્સસ ઓપરેશન્સના દિલ્હી ખાતેના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ.કે. ચક્રવર્તી‍નો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, ઉપરથી આવેલી સૂચના મુજબ હાલ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે, તેમણે આ ઘટનાક્રમ પાછળ રાજ્ય સરકારનો હાથ હોવા અંગે કોમેન્ટ કરવાની ટાળી હતી. બીજી બાજુ રાજ્ય સરકારનો પ્રતિભાવ જાણવા માટે ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ એવા સિનિયર આઇએએસ અધિકારી ડો. વરેશ સિન્હાનો વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ મળી શક્યા ન હતા.