ગાંધીધામમાં વીજ સમસ્યા મુદ્દે સાંસદે ઝાટકણી કાઢી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પીજીવીસીએલના ચીફ એન્જિનિયર સહિત સ્થાનિક કક્ષાએ ઇજનેરોનો ઉધડો લીધો

ગાંધીધામમાં અવારનવાર વીજળી ગુલ થઇ રહી છે ત્યારે લોકો તરફથી મળી રહેલી ફરિયાદને ધ્યાનમાં લઇને કચ્છના મહિલા સાંસદે પીજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લીધો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓને યુદ્ધના ધોરણે ગાંધીધામમાંથી ખસેડીને દુર છેવાડાની જગ્યાએ બદલી કરી નાખવાની ચીમકી આપી હતી.

સાંસદ પુનમબેન વેલજીભાઇ જાટે આપેલી એક અખબારી યાદી મુજબ ગાંધીધામ સંકુલના ભારતનગર, લીલાશાહનગર, અપનાનગર, ગોપાલપુરી, સુંદરપુરી તેમજ સુભાષનગર વગેરે વિસ્તારોમાં લોકો તરફથી થોકબદ્ધ ફરિયાદો મળી રહી હોવાથી તેમણે પીજીવીસીએલના જિલ્લા ચીફ ઇજનેર પઢીયાર તેમજ ગાંધીધામના ડેપ્યુટી ઇજનેર રાવ સહિત કાર્યપાલ ઇજનેરનો ફોન ઉપર ઉધડો લીધો હતો. તેઓ જે વિસ્તારમાં રહે છે તેવા કંડલા પોર્ટ ટ્રસ્ટની રહેણાંક કોલોની ગોપાલપુરીમાં તો મોટા ભાગના સનદી અધિકારીઓ રહે છે તેવો દાવો કરીને તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી અહીં લો વોલ્ટેજની સમસ્યા છે.

આ સંદર્ભે તેમણે કંડલા પોર્ટ ટ્રસ્ટના લાઇટ વિભાગ તરફથી લેખિતમાં અનેક વખત પીજીવીસીએલને જાણ કરવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. આથી આ વીજ સમસ્યાને મુદ્દે તેમણે વીજ તંત્રના અધિકારીઓને આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી.

અધિકારીઓ તેમના હાથે જ કેમ ચઢતા હશે?

યોગાનુયોગ કહો કે ગમે તે, પરંતુ મહિલા સાંસદ પૂનમબેનના ગુસ્સાનો ભોગ અવારનવાર અધિકારીઓ બનતા રહ્યા છે. તેઓ નવા સવા સાંસદ બન્યા, ત્યારે સેલ્યુટ મારવાને મુદ્દે એક ઇન્સપેક્ટર તેમની ઝપટે ચઢી ગયા હતા. તે વખતે તેઓ નવા હોવાને કારણે ખબર નહોતી કે ખરેખર આ મુદ્દાને એસપી સમક્ષ નહીં, પરંતુ લોકસભાના સ્પીકર સમક્ષ રજુ કરવો જોઇતો હતો.

છેવટે ખાતાકીય તપાસમાં તો ઇન્સપેક્ટર સાવ નિર્દોષ જાહેર થયા હતા. ત્યાર બાદ તેમણે તાજેતરમાં રેલવેના અધિકારીઓને પણ ઝંડી આપવાને મુદ્દે આડેહાથે લીધા હતા અને હવે પીજીવીસીએલના અધિકારી તેમની ઝપટમાં આવી ગયા છે.