તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજની રાજકીય તુલામાં પૂર્વ કચ્છનું પલડું વધુ ભારે થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોટા ભાગની કદાવર રાજકીય પોસ્ટ પર પ‌શ્ચિ‌મ કચ્છનો જાણે એકડો જ નીકળી ગયો હોય એવો તાલ

પોલીસની દૃષ્ટિએ કચ્છનું ભલે વિભાજન થઇ ગયું હોય, પણ મહેસૂલી રીતે હજુ પૂર્વ કચ્છ અને પ‌શ્ચિ‌મ કચ્છ અસ્તિત્વમાં નથી આવ્યાં, રાજકીય રીતે પણ એ નથી આવ્યા એ સારું છે. બાકી, ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પ‌શ્ચિ‌મ કચ્છને એક કોરાણે મૂકી દઇને પૂર્વ કચ્છ પર જ પોતાની નજર ઠારી છે. તેમાં વળી, આજે થયેલા મંત્રીમંડળના વિસ્તરણથી પૂર્વ કચ્છનું પલ્લું વધુ ભારે બન્યું છે.

પૂર્વ કચ્છના અંજારની બેઠક પરથી ચૂંટાયેલા વાસણભાઇ આહિ‌ર આજે મોદી સરકારમાં મંત્રી બન્યા. આ પદ માટે પ‌શ્ચિ‌મ કચ્છની માંડવી અને ભુજ બેઠકના ધારાસભ્ય અનુક્રમે તારાચંદ છેડા અને ડો.નીમાબેન આચાર્ય પણ મેદાનમાં હતા. અલબત, મોદીએ આહિ‌રની પુન: પસંદગી કરીને પ‌શ્ચિ‌મ કચ્છની વધુ એક વખત રાજકીય અવહેલના કરી હતી.

જો, તાજેતરના ભૂતકાળ પર નજર માંડીને જોઇએ તો મોટા ભાગના ભારે પદ પૂર્વ કચ્છને જ મળ્યા છે. કચ્છ અને પાડોશના મોરબીના પણ પ્રતિનિધિ ગણી શકાય એવા સાંસદ તરીકે ગાંધીધામમાં રહેતા પૂનમબેન જાટ છે, કે જે પૂર્વ કચ્છના છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ આહિ‌ર પણ મંત્રી વાસણભાઇના ગામના, એટલે કે રતનાલના છે.

જિલ્લા ભાજપના પ્રમુખપદે પણ હાલે મૂળ રાપરના પંકજભાઇ મહેતા છે. તેમને આ પદ પ‌શ્ચિ‌મ કચ્છના માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી પાસેથી મળ્યું છે. તો તાજેતરમાં મોદી સરકારે બોર્ડ/નિગમોમાં વરણી કરી ત્યારે પણ મોદીએ પ‌શ્ચિ‌મ કચ્છને બદલે પૂર્વ કચ્છના ભચાઉના અરજણ રબારી પર પસંદગી ઉતારવાનું વધુ પસંદ કર્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેનપદે પ‌શ્ચિ‌મ કચ્છમાં આવેલા માંડવીના અનંતભાઇ દવેના અવસાન પછી આ પદ ખાલી પડયું હતું. તેના પર પણ સૌરાષ્ટ્રના એક રાજકારણીની વરણી થઇ જતાં તેમાંથી પણ પ‌શ્ચિ‌મ કચ્છનું પત્તું કપાઇ ગયું હતું. માત્ર ભાજપમાં જ પૂર્વ કચ્છનું પલ્લું ભારે હોય એમ નથી.

કોંગ્રેસમાં પણ જિલ્લા પ્રમુખ તરીકે અંજાર તાલુકાના ભીમાસરના વી.કે. હુંબલ છેલ્લા સાત વર્ષથી બિરાજમાન છે. કોંગ્રેસમાં અત્યાર સુધી અમલમાં રહેલા કાર્યકારી પ્રમુખના પદ પર પણ ગાંધીધામના શૈલેન્દ્રસિંહ જાડેજા બિરાજમાન હતા. પ‌શ્ચિ‌મ કચ્છના ભાજપના એક બોલકા નેતા પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહે છે કે, નરેન્દ્ર મોદીને કચ્છ પર ઘણુ હેત છે એ વાત સાચી, પણ આ હેત હવે પૂર્વ કચ્છ પૂરતું સીમિત થઇ ગયું હોય એવું લાગી રહ્યું છે.