માંડવીના બીચ પરથી મોદી કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રીજી વખત મુલાકાત લેનારા મુખ્યમંત્રી કાર્યક્રમને માણશે માંડવીના મનોરમ્ય બીચને વિશ્વના ફલક પર સ્થાન આપવાની મુહિ‌મ છેડનાર અને ત્રીજી વખત રત્નાકરની મુલાકાતે આવનારા રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અષાઢી બીજના બીચ ખાતે યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપીને કચ્છીજનોને કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવશે. નગર સેવા સદન દ્વારા અષાઢી બીજ તા.૨૧/૬ના સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મોદી કચ્છની કલાકૃતિઓના પાથરતી કન્યાઓનો સ્ટેજ પ્રોગ્રામ માણશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦૬ની સાલમાં મુખ્યમંત્રી મોદીએ બીચ ખાતેના 'હેલો કચ્છી કચ્છ મે’ કાર્યક્રમમાં હાજરી આપીને કચ્છીજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. છ વર્ષના સમય બાદ તેઓ કચ્છી નવા વર્ષની વધાઇ આપશે. મુખ્યમંત્રી અમદાવાદ ખાતેની જગન્નાથ રથ યાત્રાને સ્ટાર્ટ આપ્યા બાદ હવાઇ માર્ગે માંડવીના કાર્યક્રમમાં હાજરી આપશે એવું કચ્છ જિલ્લા ભારતી જનતા પાર્ટીના અનંતભાઇ દવેએ ટેલિફોનિક વાત-ચીતમાં જણાવ્યું હતું. અષાઢી બીજને ૨૦ દિવસનો સમય બાકી હોવાથી આયોજન ઘડી કાઢવા માટે તા.ર/૬ના સવારે ૧૧ કલાકે માંડવી નગર સેવા સદનમાં અગત્યની બેઠક રાખવામાં આવી છે, જેમાં શહેરની સંસ્થાઓ અને પાર્ટીના આગેવાન હાજર રહીને રૂપરેખા ઘડી કાઢશે.